PM મોદીના હસ્તે સરકારી સેવાઓ આપતી માસ્ટર એપ્લિકેશન ‘ઉમંગ’ લોન્ચ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વૈશ્વિક સાયબર સંમેલનમાં એક જ મંચ પર ૨૦૦થી વધુ સરકારી સેવાઓ આપતી માસ્ટર એપ્લિકેશન ‘ઉમંગ’ લોન્ચ કરી હતી. ‘ઉમંગ’ (યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ) દ્વારા પાસપોર્ટ, પાનકાર્ડ માટે અરજી કરી શકાશે. આ ઉપરાંત ઈપીએફ સહિત અન્ય સરકારી સેવાઓ અને અન્ય સુવિધાઓના લાભ ઉઠાવી શકાશે. અત્રે એરો સિટીમાં યોજાનાર બે દિવસીય સંમેલનમાં ૧૦,૦૦૦ વિદેશી નિષ્ણાતો, અધિકારીઓ અને પ્રધાનો વ્યક્તિગત રીતે તેમજ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે.

૨૦૦૦ નિષ્ણાતો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સામેલ થશે. ‘ઉમંગ’ એપ્લિકેશન દ્વારા સરકારી સુવિધાઓ માટે અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. અગાઉ આ એપ્લિકેશન ગૂગલ બીટા વર્ઝનમાં હતી, પરંતુ હવે તેને જાહેરમાં કરવામાં આવશે. ‘ઉમંગ’ના પગલે સ્વાસ્થ્ય સેવાઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે.

આ ઉપરાંત પાક વીમા, મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ અને એગ્માર્ક નેટ, કિસાન સુવિધા, અન્નપૂર્ણ કૃષિ પ્રસાર સેવા, રાષ્ટ્રીય સ્કોલરશીપ, ઈ-પાઠશાળા, એઆઈસીટીઈ, સેન્ટ્રલ સ્કૂલ, વડાપ્રધાન કૌશલ્ય વિકાસ યોજના, ગેસ બુકિંગ, લાઈફ સર્ટિફિકેટ, નેશનલ પેન્શન યોજના વગેરે સેવાનો લાભ ઉઠાવી શકાશે.

‘ઉમંગ’ એપ દ્વારા પાનકાર્ડ, પાસપોર્ટ અને આધારકાર્ડ માટે પણ અરજી કરી શકાશે. એટલું જ નહીં મહિલા સુરક્ષા, અપરાધ અને અપરાધીઓનું ટ્રેકિંગ, ઈ-પોસ્ટ, ઈન્કમટેક્સ પેમેન્ટ, વાણિજ્ય કર, પીએફ, રેલવે, એનપીએસ, ઈ-રાહી, ઈ-માઈગ્રેટ વગેરે માટે અરજી કરી શકાશે. આમ ‘ઉમંગ’ એપ માસ્ટર એપ્લિકેશન બની રહેશે. તે ૧૩ પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ બનશે અને તેના પર ત્રણ વર્ષની અંદર ૧૨૦૦થી વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

You might also like