મોદી સરકાર તમામ સરકારી સેવા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ કરશે

નવી દિલ્હી: મોદી સરકાર હવે વહીવટી સુધારાની દિશામાં એક મહત્ત્વનું પગલું ઉઠાવી રહી છે. મોદી સરકાર હવે તમામ સરકારી સેવાઓ અને યોજનાઓને મોબાઇલ પર જ ઉપલબ્ધ કરવાની તૈયારીમાં છે. કેન્દ્ર સરકાર હવે એ દિશામાં કામ કરી રહી છે કે આગામી દિવસોમાં લોકોને કોઇ પણ સરકારી યોજના કે સેવા માટે સરકારી ઓફિસોના ચક્કર કાપવા ન પડે.
પીએમઓને સોંપવામાં આવેલા પોતાના રિપોર્ટમાં વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ (ડીએઆરપીજી)એ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. વિભાગે આ રિપોર્ટ નેસ્કોમ અને કેપીએમજીની સાથે મળીને તૈયાર કર્યો છે.

ડીએઆરપીજીના સચિવ દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે આ પગલું યુએનના ઇ-ગવર્નમેન્ટ ઇન્ડેક્સમાં ભારતની સ્થિતિને સુધારવાનું કામ કરશે. હાલ ભારત યુએનના ૧૯૩ દેશોના ઇન્ડેક્સમાં ૧૧૯મા સ્થાને છે અને હવે એવી આશા છે કે ભારત ટોપ ટેનમાં આવી શકશે. શુક્રવારે ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવેલા જે. એસ. દીપકે જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સંપન્ન કરવા માટે તેમજ સરકારી સેવાઓ અને યોજનાઓ સરળતાથી નાગરિકો સુધી પહોંચાડવા માટે મોબાઇલ પ્લેટફોર્મનો સૌથી અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સર્વિસ ડિલિવરી માટે બહુભાષી મોબાઇલ ગવર્નન્સ સેવાનું ખૂબ જ મહત્ત્વ છે. આધાર સાથે સંકળાયેલ મોબાઇલ લિન્ક્ડ મેકેનિઝમનો અસરકારક રીતે જાહેર હિતમાં ઉપયોગ કરી શકાય છે.

You might also like