PM મોદીનું મિશન દિલ્હી વાયા યુપી, ઉત્તરપ્રદેશની મુલાકાતનું મત કનેક્શન

ન્યૂ દિલ્હીઃ ફરીથી સત્તાનાં સમીકરણ ગોઠવવા માટે ભાજપે હવે આગામી તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં કમળ ખીલવવા માટે ઉત્તરપ્રદેશમાં જીત હવે જરૂરી છે. એટલે જ પ્રધાનમંત્રી મોદીએ આરંભ્યું છે મિશન ઉત્તરપ્રદેશ. આવનારા 20 દિવસોમાં તેઓ ચાર વખત ઉત્તરપ્રદેશ જશે અને વિવિધ યોજનાનું શિલાન્યાસ કરશે. પરંતુ આ મુલાકાતનો મુખ્ય હેતુ ભાજપની જીતનો પાયો નાખવાનો છે.

2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય સફળતા મળી છે. ત્યારે હવે ફરી એક વાર સત્તામાં આવવા હાથ ધર્યું છે મિશન ઉત્તરપ્રદેશ. ગત સપ્તાહે મગહર ગયા બાદ ફરી એક વાર પ્રધાનમંત્રી મોદી ઉત્તરપ્રદેશનાં આંગણે જઇ રહ્યાં છે. તો એ આવનારા 20 દિવસમાં ચાર વખત ઉત્તરપ્રદેશ જશે.

કહેવાય છે કે દિલ્હીની ગાદીનો માર્ગ ઉત્તરપ્રદેશથી પસાર થાય છે એટલે કે ઉત્તરપ્રદેશમાં જેટલી વધુ બેઠકો મળે તેટલી સરકાર બનાવવામાં આસાની રહે છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં 80માંથી 71 બેઠકો મળી હતી. તો વિધાનસભાની ચૂંટણીમાં પણ 403માંથી 312 બેઠકો મળી છે. પરંતુ ચાલુ વર્ષે થયેલી પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો છે.

યોગી આદિત્યનાથનાં ગઢ સમાન ગોરખપુર બેઠક તેમજ ફુલપુર લોકસભા બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો એટલે ઉત્તરપ્રદેશની બાજી ભાજપનાં હાથમાં હવે નથી રહી. જેથી હવે ફરીથી ઉત્તરપ્રદેશમાં રાજકીય મેદાન મારવા માટે ખુદ પ્રધાનમંત્રીએ જ પ્રચારની લગામ સંભાળવી પડી.

લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનાં નામે વિપક્ષો એક થવાનાં પ્રયાસમાં છે. તો બીજી તરફ નીતિશ કુમાર પણ બિહારમાં બેઠકો મામલે વિવાદ ઉભો કરશે. દક્ષિણ ભારતમાં કર્ણાટક હાલ JDS અને કોંગ્રેસનાં પ્રભુત્વ હેઠળ છે.

તો આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પહેલાં જ ગઠબંધનથી છેડો ફાડી રહ્યાં છે. આવાં સમયે જો ફરીથી સત્તામાં આવવું હોય તો ભાજપને ઉત્તરપ્રદેશમાં વિજયી ઝંડા ગાડવા જ પડશે.

You might also like