PM મોદીના ઓડિશા પ્રવાસના વિરોધમાં નકસલીઓનો હુમલો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૫ એપ્રિલના સૂચિત ઓડિશા પ્રવાસ પૂર્વે નકસલીઓએ આજે સવારે ઓડિશામાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ મોદી વિરોધી પોસ્ટરો ચિપકાવીને નકસલો નાસી ગયા હતા.  સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર ૩૦ જેટલા નકસલીઓએ રાયગઢ જિલ્લાના ડોઈકલ્લુ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને બે બ્લાસ્ટ પણ કર્યા હતા. ઘટના સ્થળે નકસલીઓનાં પોસ્ટરો મળ્યાં છે. આ પોસ્ટરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ઓડિશા પ્રવાસનો વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા બાદ નકસલીઓ ફરાર થઈ ગયા છે. ઘટના સ્થળેથી પોલીસને બે વોકીટોકી સેટ મળ્યા છે. જોકે આ હુમલામાં કોઈ પોલીસકર્મી ઘાયલ થયાના કે કોઈ ખુવારી થયાના સમાચાર નથી.

તાજેતરમાં ઓડિશાની સરહદ સાથે જોડાયેલા ચાંદામેટા અને તુલસી ઢોંગરી વિસ્તારમાં પોલીસ અને નકસલો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે નકસલોને ગોળી વાગી હતી. ત્યાર બાદ હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં પોલીસે નકસલીઓના સાત મદદગારોની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસની બેઠક ભુવનેશ્વરમાં ૧૫મી એપ્રિલથી શરૂ થનાર છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપના પદાધિકારીઓ અને અન્ય નેતાઓ હાજર રહેનાર છે. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, કેન્દ્રીય પ્રધાન વેકૈંયા નાયડુ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહેનાર છે.
http://sambhaavnews.com/

You might also like