PIના અભાવે ડિટેકશનમાં હાંફી જતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ: ગુજરાત પોલીસમાં ત્રણ વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરી ૮૫૦૦ જેટલા પોલીસકર્મીઓની ભરતી કરાઈ છે. ભરતી કરાયા બાદ પણ હાલમાં શહેર પોલીસમાં ૩૦૦ જેટલા પીએસઆઈની ઘટ છે. જ્યારે શહેરમાં બનતા ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવતી એજન્સી ક્રાઈમ બ્રાન્ચમાં મહેકમ કરતાં ઓછા પીઆઈ ફરજ બજાવી રહ્યા છે. દુકાળમાં અધિક માસ હોય તેમ પીએસઆઈ ટુ પીઆઈનાં પ્રમોશન આવી રહ્યાં છે ત્યારે ફરી ૩૦૦ પીએસઆઈની ઘટ ઊભી થઈ છે.

વધારાના મહેકમ અને ખર્ચ વગરનાં નવાં પોલીસ સ્ટેશનોની શરૂઆત કરી દેવામાં આવે છે અને પોલીસ સ્ટાફ ફાળવી દેવાય છે, જેના કારણે સ્ટાફની સતત અછત રહે છે. પ્રજાની સુરક્ષાના મામલે ખુદ પોલીસ અધિકારીઓ પોતાના તંત્ર ઉપર પૂરતો ભરોસો રાખી શકતા નથી.

શહેરમાં બનતા મોટા ભાગના ગુનાઓમાં ડિટેકશનની કામગીરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થતી હોય છે. શહેર ક્રાઈમ બ્રાન્ચમાં મંજૂર મહેકમ મુજબ ૧૧ પીઆઈ, ૪ એસીપી, ૨૭ પીએસઆઈ હોવા જોઈએ, જેમાં હાલ ૬ પીઆઈ જ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે. ક્રાઈમ બ્રાન્ચમાં પણ સાયબર ક્રાઈમમાં માત્ર બે પીઆઈ, ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ પીઆઈ અને એસઓજી ક્રાઈમ બ્રાન્ચમાં પાંચ પીઆઈ હોવા જોઈએ, તેની જગ્યાએ માત્ર એક જ પીઆઈ ફરજ બજાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચમાં હાલ સ્ટાફની અછત હોવાના કારણે ડિટેકશનની કામગીરી પર અસર પડી રહી છે. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણની પીઆઈમાંથી બે પીઆઈ માત્ર કાગળ અને કોર્ટની કામગીરીમાં જ વ્યસ્ત હોય છે, જેના કારણે તેઓ ડિટેકશનની કામગીરી પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.

ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં અનેક પીએસઆઈની જગ્યા ભરાઈ છે, પરંતુ આગામી દિવસોમાં પીએસઆઈ ટુ પીઆઈનાં પ્રમોશન આવવાનાં હોઈ ફરી એક વાર શહેરમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાશે. અધિક પોલીસ કમિશનર (વહીવટ) આર.જે. સવાણીએ જણાવ્યું હતું કે શહેરમાં હાલ ૩૦૦ પીએસઆઈની ઘટ છે અને જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ છે ત્યાં બે પીઆઈ અને બાકીમાં એક પીઆઈ મૂકવામાં આવ્યા છે.

You might also like