Pink Revolution: ફિલ હ્યુજની પ્રથમ પુણ્યતિથિએ ટેસ્ટ મેચનો નવો અધ્યાય

એડિલેડઃ અહીં ક્રિકેટ ઇતિહાસની પહેલી ડે-નાઇટ મેચ આવતી કાલે ગુલાબી બોલથી રમાશે. આવતી કાલે ૨૭ નવેમ્બર છે, તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલ હ્યુજની પ્રથમ પુણ્યતિથિ છે. ગત વર્ષે ઘરેલુ ક્રિકેટમાં માથામાં બોલ વાગવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આવતી કાલે મેચના પ્રથમ દિવસે ફિલ હ્યુજને શ્રદ્ધાંજલિ આપશે. એડિલેડના આ મેદાન પર પહેલો મુકાબલો ૧૮૮૪માં રમાયો હતો, ત્યારથી આ મેદાન પર કુલ ૧૪૬ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે.

૧૩૮ વર્ષ જૂની પરંપરાગત પાંચ દિવસીય ક્રિકેટનો ચહેરો પહેલી વાર બદલાયેલો જોવા મળશે, જ્યારે આવતી કાલે શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ એડિલેડમાં ગુલાબી બોલ સાથે પહેલી ડે-નાઇટ ટેસ્ટ રમવા મેદાનમાં ઊતરશે. ટેસ્ટ ફોર્મેટમાં ૨૧મી સદીનો લૂક આપવાના પ્રયાસમાં લાગેલા પ્રશાસકોને આશા છે કે ગુલાબી બોલથી રમાનારી આ મેચને લઈને દર્શકોમાં કુતૂહલ છે અને મેચ જોવા માટે વધુ ને વધુ દર્શકો મેદાન તરફ પ્રયાણ કરશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે ૯.૦૦થી વાગ્યાથી શરૂ થશે.

ગુલાબી બોલઃ ડે નાઇટ ટેસ્ટ મેચની જેમજ પહેલી વાર કોઈ આંતરરાષ્ટ્રીય મેચમાં ગુલાબી બોલનો ઉપયોગ કરાશે. આમ તો ટેસ્ટ મેચમાં લાલ બોલનો ઉપયોગ થાય છે, પરંતુ ફ્લડ લાઇટમાં લાલ બોલની દૃશ્યતા ઓછી થઈ જવાને કારણે ગુલાબી બોલનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.

બોલનો રંગ જળવાશેઃ દિવસ ઢળી ગય બાદ લાલ બોલની દૃશ્યતામાં ઊણપ આવી જાય છે, ગુલાબી બોલ સાથે પણ આવું જ બનશે એવી લોકો આશંકા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ બોલ બનાવનારી ઓસ્ટ્રેલિયન કંપની કુકાબૂરાના જણાવ્યા અનુસાર તેઓએ ગુલાબી બોલ પર ગુલાબી રંગના વધુ એક સ્તરનો ઉપયોગ કર્યો છે, જેથી બોલનો રંગ લાંબા સમય સુધી જળવાઈ રહે.
ટ્રાયલઃ ગુલાબી બોલનો ઉપયોગ સત્તાવાર રીતે હજુ સુધી થયો નથી, પરંતુ તેની ગુણવત્તા અને દૃશ્યતા માપવાની ટ્રાયલ ઘણી વાર લેવાઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રેક્ટિસ માટે આ સપ્તાહમાં વેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બંને મેચ ગુલાબી બોલથી રમી હતી.

You might also like