IIT દિલ્હીમાં PhDની ૨૭ વર્ષીય વિદ્યા‌િર્થનીએ ગળાફાંસો ખાધો

નવી દિલ્હી: નવી દિલ્હી ખાતેના આઈઆઈટી પરિસરમાં આવેલા નાલંદા એપાર્ટમેન્ટમાં એક 27 વર્ષીય પીએચડીની વિદ્યાર્થિનીએ પંખા સાથે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ગઈ કાલે રાતે આઈઆઈટીના નાલંદા એપાર્ટમેન્ટમાંથી મંજુલા દેવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનાં પતિ અને સાસુ-સસરા ભોપાલમાં રહે છે. મંજુલાનાં લગ્ન 2013માં થયાં હતાં. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવની મેજિસ્ટ્રેરિયલ તપાસ કરવામાં આવશે. હાલ આ બનાવ અંગે પોલીસ મંજુલાના મિત્રોની પૂછપરછ કરી રહી છે. આ ઘટનામાં ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.

એવું જાણવા મળે છે કે મંજુલા આઈઆઈટી કેમ્પસની હોસ્ટેલમાં રહીને વોટર રિસોર્ટ પર રિસર્ચ કરી રહી હતી. તે નાલંદા એપાર્ટમેન્ટના ફલેટ નબંર-413માં રહેતી હતી. આ એપાર્ટમેન્ટમાં પરિણીત વિદ્યાર્થિનીઓને પણ રહેવાની મંજૂરી આપવામાં આવે છે. આ બનાવ બાદ પોલીસે મંજુલાનાં સાસરિયાંઓને ફોન દ્વારા જાણકારી આપી હતી. હાલ આ બાબતે મંજુલાના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તેમજ મંજુલાની લાશને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાઈ છે અને હવે તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ બનાવથી આઈઆઈટી કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગત માર્ચમાં આ કેમ્પસમાં જ એક વિદ્યાર્થીએ છત પરથી કૂદીને આપઘાતની કોશિશ કરી હતી, પરંતુ તેને બચાવી લેવાયો હતો. તેણે ડિપ્રેશનમાં આવી જઈ આવું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like