પેટ્રોલ-ડીઝલના વેટ-સેસમાં વધારો પાછો ખેંચવા રાજ્યમાં કોંગ્રેસના દેખાવો

ગાંધીનગર: મોંઘવારીના બેફામ માર સહન કરી રહેલ રાજયની જનતાને થોડી ઘણી પણ રાહત મળે તેવા ઉપાય કરવાને બદલે પેટ્રોલ-ડીઝલ પર ભાજપ સરકારે વેટ અને સેસના દર વધારીને હાલાકીમાં વધારો કર્યો છે. ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસમાં વધાર કરાયો છે, જેના લીધે મોંઘવારીમાં વધરો થશે. પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસમાં કરાયેલા વધારા સામે કોંગ્રેસ દ્વારા રાજયભરમાં વિરોધ દેખાવો કરીને પૂતળાં દહન કરીને કલેક્ટરને આવેદન પત્ર અપાયા હતા.

કોંગ્રેસ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને આઠ મહાનગરોમાં મોંઘવારીનો વિરોધ અને પેટ્રોલ-ડીઝલમાં વધારાયેલા વેટ અને સેસ પાછા ખેંચવાની માંગ સાથે રાજયવ્યાપી દેખાવો કરવામાં આવ્યા હતાં તેમજ આક્રોશ સાથે ધરણાં કરી મુખ્યમંત્રી અને વડાપ્રધાનના પૂતળાંના દહન કરાયા હતાં.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના સૌથી નીચા ભાવ હોવા છતાં તેનો લાભ ગુજરાત અને દેશના નાગરિકોને આપવો જોઈએ. તેના બદલે ગુજરાતની ભાજપ સરકારે વેટ અને સેસ થોપી બેસાડી સામાન્ય અને મધ્યમ વર્ગ પાસેથી પેટ્રોલ-ડીઝલમાં કરોડો રૃપિયાની લૂંટ ચલાવી રહી છે. આ સંજોગોમાં ગુજરાતના છ કરોડ નાગરિકોને મોંઘવારીમાં રાહત મળે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડનો ભાવ ઘટાડાનો સીધો લાભ ગુજરાતના નાગરિકોને મળે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણાં અને પૂતળાં દહનનો કાર્યક્રમ સફળરહ્યો હોવાનું પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને પ્રવકતા નિશિત વ્યાસે જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં ક્રુડનો ભાવ ઘટી રહ્યો હોવા છતાં વેટ અને સેસના લીધે પેટ્રોલડીઝલ ગુજરાતમાં મોંઘા મળે છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવોને લીધે મોંઘવારી કુદકેને ભૂસકે આગળ વધી રહી છે. વેટનો લક્ષ્યાંક સિધ્ધ કરવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે વેટના ભ્રષ્ટ અધિકારીઓને ડામ દેવાને બદલે પેટ્રોલ અને ડીઝલના વેટ દરોમાં અને તેના ઉપરની સેસના દરોમાં ૪ ટકા જેટલો વધારો કરીને રાજયની જનતાને મોંઘવારીનો ડામ દીધો છે.

ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતીઓ અને બેફામ ઊડાઉ ખર્ચાના કારણે ગુજરાતનું દેવું ૧.૮૧ હજાર કરોડ જેટલું દેવાદાર રાજય બની ગયું છે. ત્યારે ભાજપ સરકારના દેવાળિયા વહીવટનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. રાજયનાં ૩૩ જિલ્લાઓમાં અને આઠ મહાનગરોમાં સવારથી જ વિવિધ જગ્યાએ ધરણાં, દેખાવો અને પૂતળાંદહનના કાર્યક્રમો યોજાયા હતાં જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. વિવિધ શહેરોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની મોટી સંખ્યામાં અટકાયત કરાઈ હતી.

You might also like