એક અનોખું યાત્રાધામઃ પાવાગઢ

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો તથા યાત્રાધામો આવેલાં છે. ગુજરાતની ચારેય દિશામાં જુદાં જુદા દેવ દેવી બિરાજેલા છે. જે સદાય ગુજરાતની ચારેય દિશાના દુશ્મનોથી રક્ષા કરે છે. ઉત્તર િદશાનું રખોપું કરે છે. મા અંબા, પૂર્વ દિશામાં બિરાજે છે મા કાળકા, દક્ષિણ દિશાને સાચવે છે. કુંતેશ્વર મહાદેવ તો સોમનાથ અને દ્વારકેશ પશ્ચિમ દિશા સાચવીને બેઠા છે.

આપણા લેખમાં આજે આ મા કાળીની વાત કરવાની છે. જે આપણા પૂર્વ દિશામાં બિરાજેલાં છે. પાવાગઢ પૂર્વ દિશામાં આવ્યું છે. જેમાં મા કાળકા સાક્ષાત બિરાજે છે. પાવાગઢ જવું હોય તે વડોદરાથી ચાંપાનેર થઈને આશરે ૫૬ કિ.મી. દૂર અને ગોધવાથી ચાંપાનેર રોડ ઉપર થઈને લગભગ ૫૩ કિ.મી. દૂર જવાય છે. અમદાવાદ વડોદરા રસ્તે જવું હોય તો આશરે ૧૫૦ કિ.મી. દૂર મહાકાળા મા બિરાજે છે. ત્યાં જવાય છે.

પાવાગઢ વિશે લોકોમાં જાત જાતની વાતો ચાલે છે. બધામાં માની ભક્તિ વિશેષ જોવા મળે છે. એમ પણ કહેવાય છે કે આજે જ્યાં અડિખમ દુર્જેય પાવાગઢ છે ત્યાં હજારો વર્ષ પહેલા ઊંડી ખાઈ હતી. તે ખાઈ નજીક વિશ્વામિત્ર રહેતા હતા. એક વખતની વાત છે. તેમની પાસે દિવ્ય શક્તિઓ ધરાવતી કામધેનું ગાય છે. તે ચરવા નીકળી છે. તેની સાથે કોઈ ગોવાળિયો નહોતો. તે ચરતી ચરતી ઊંડી ખીણમાં ગબડી પડી. ખીણ ખૂબ ઊંડી હતી. ગાય ઉપર આવી શકે તેમ નહોતું. વિશ્વામિત્ર ગાયને શોધવા નીકળ્યા. ગાયને તેમણે ખીણમાં જોઈ. તેમનું ઋષિ હૃદય કકળી ઊઠ્યું. તરત તેમણે ભગવાનને આરાધ્યા. તેમણે ખીણને પૂરી ગાયને બહાર લાવવા પ્રાર્થના કરી. આ તો વિશ્વામિત્રની પ્રાર્થના અને તે ય દિવ્ય શક્તિઓ ધરાવતી ગાય માટેની. ભગવાને તરત તેમની પાર્થના સાંભળી. ગાય જ્યાં હતી ત્યાં ભગવાને એક પહાડ એવી રીતે ઊભો કર્યો કે પહાડના ત્રણ ભાગ વડે તે ખાઈ પુરાઈ ગઈ અને ચોથો જે ભાગ બહાર રહ્યો તે પાવાગઢ તરીકે પ્રસિદ્ધ થયો. ગાય ધીમે ધીમે પહાડ ચઢતી ચઢતી પોતાના પ્રિય ઋષિ પાસે આવે ગઈ.

વિશ્વામિત્ર ઋષિ તપ માટે જગા શોધતા હતા તે વખતે તેમને પાવાગઢની ભૂમિ તપ માટે ઉત્તમ લાગી. પાવાગઢમાંથી એક પવિત્ર નદી નીકળતી હતી. આ નદી તટે તેમણે ખૂબ તપ કર્યું. તેથી તે નદી િવશ્વામિત્રી તરીકે ઓળખાઈ તેથી એક બીજી કથા પણ છે.

પાવાગઢ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસેલું છે. ચાંપાનેર ઈ.સ. ૭૪૫માં એટલે કે આજથી લગભગ ૧૨૬૫ વર્ષ પહેલાં દક્ષિણના ચૌલુક્ય રાજા જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપાએ વસાવ્યું હતું. તે કાળે માળવાની સરહદ નજીક આવેલી હોવાથી ગુજરાતનું રક્ષણ કરતો પાવાગઢ ખૂબ મજબૂત કિલ્લો હતો. પાવાગઢમાં કુલ ૧૨ રાજા થઈ ગયા. તેમાં ૧૨મો રાજા તે પતાઈ રાવળ. તેનું ખરું નામ જયસિંહદેવ પતાઈ. એક વખત નવરાત્રિના સમયમાં પતાઈ રાજા ગરબા જોવા નગરના ચોકમાં આવ્યો હતો. ત્યાં તેને એક ખૂબ રૂપરૂપના અંબાર સમી નારીને ગરબે ઘૂમતી જોઈ. રાજા તે સ્ત્રીના રૂપમાં અંધ થઈ ગયો. તેણે તે સ્ત્રીનો પાલવ ખેંચ્યો. આ કાંઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે તો સાક્ષાત મા મહાકાળી હતાં. તે ગરબે ઘૂમવા આવ્યાં હતાં. રાજાને તેમણે ઘણું સમજાવ્યો. છતાં રાજા ન માનતાં તેમણે પતાઈ રાજાને શ્રાપ આપ્યો. તે કારણે પતાઈનું રાજ નાશ પામ્યું. તે ગઢ ઉપર ગુજરાતનો મહંમદ બેગડો ચઢી આવ્યો. બેગડાએ પતાઈને હરાવી તેનો નાશ કર્યો. તે સમયથી પાવાગઢ યાત્રાધામ કહેવાય છે.

પાવાગઢ પર ભદ્રકાળી તથા મહાકાળીનાં બે શિખર છે. જે ૧૭૦૦ તથા ૨૭૨૦ ફૂટ ઊંચે છે. પાવાગઢ પર ૧૭૦૦ ફૂટ ઉપર માંચી નામનું સ્થળ છે. જ્યાં ધર્મશાળા, હોટલ ગુજરાતનું વિરાટ ધામ છે. યાત્રાળુ રાત્રે માંચી રોકાય છે. સવારે ગઢ ચઢે છે. બપોર પહેલાં દર્શન કરી નીચે આવી જાય છે.

You might also like