શહેરમાં ચોમાસાનાં આગમન અગાઉ રસ્તાઓ પર પેચવર્કના નામે આડેધડ થીંગડાં

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોમાસાનાં આગમનની ઘડીએ ગણાઇ રહી છે ત્યારે સફાળા જાગેલા મ્યુનિસિપલ તંત્રએ રસ્તાઓના પેચવર્કનું કામ યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે. ઝડપથી કામ પૂરું કરવાની લ્હાયમાં બની રહેલા ઉબડખાબડ પેચવર્કના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

કેટલાક રસતાઓ પર રોડ બનાવી દીધા પછી ડસ્ટિંગ કરવાનું રહી જાય છે તો ક્યાંક ઓછું ડસ્ટિંગ થવાના કારણે ડામર સપાટી પર આવી જાય છે. આવી ફરિયાદોના પગલે હવે તંત્રએ વધુ ને વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યું છે.

ગઇ કાલે ઇસરો-શિવાનંદ આશ્રમથી જજીસ બંગલા રોડ પરના દોઢ કિ.મી.ના રસ્તા પર તંત્રએ નાના મોટા ચારથી પાંચ પેચ કરી નાખ્યા આટલું ઓછું હોય તેમ રોડના પેચવર્કની ઉપર ડબલ ડસ્ટિંગ કરી દેતાં કેટલાય ટુ-વ્હીલર વાહનચાલકો ફસડાઇ પડ્યા હતા.

વધારે પડતા ડસ્ટિંગથી વાહનો સ્લીપ થયા હતાં. તો આજ રસ્તા પર પેચવર્ક કરાયા બાદ લેવલિંગનું સહેજ પણ ધ્યાન ન રખાતાં રસ્તો ડિસ્કો રોડ બનાવી દીધો છે. થોડો સ્મૂધ થોડા અપ એન્ડ ડાઉન અને સહેજ ડાબી તરફ ગયા તો પડી જવાનું રસ્તાના થોડા ભાગમાં ચાર ઇંચથી વધુ લેવલ તફાવત હોઇને આ રસ્તે જનારા લોકો હવે ત્રાહિમામ્ પોકારી ગયા છે.

લેવલિંગ કર્યા વગર રોડ રિસરફેસ કરાતા હોવાના કારણે રસ્તાઓ ઊબડખાબડ બન્યા છે. રસ્તા પર આડેધડ ડામર પાથરીને રોડ લેવલ કરતા ઊંચા પેચવર્ક કરાતાં નાના બમ્પ જેવી સ્થિતિ સર્જાઇ છે. કામ પૂરું થઇ ગયું હોવાનો સંતોષ માનતા તંત્રના કર્મચારીઓને લોકોની ચિંતા નથી તેઓ પોતે પણ જો ટુ-વ્હીલર લઇને નીકળે તો ચોક્કસ ફસકી પડે પરંતુ સરકારી એસી ગાડીમાં ફરતા બાબુઓને સામાન્ય લોકોની તકલીફો નહીં દેખાય.

You might also like