પાસપોર્ટના વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

અમદાવાદ: પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન તથા ઘરઘાટીઓની વિગતો જમા કરાવવા માટે નાગરિકોએ હવે થોડા સમય પછી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં પડેે. ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અતર્ગત સિટીઝન પોર્ટલ પાસપોર્ટ માટેનું વેરિફિકેશન હવે અોનલાઇન કરાશે. ઘરઘાટીની નોંધણી પણ નાગરિકો ઓનલાઇન કરાવી શકશે.

રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. આ પ્રોજેકટ હેઠળ પોલીસની કામગીરીના મૂલ્યાંકનની કામગીરી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે.

કોઇ પણ નાગરિક પાસપોર્ટ માટે અરજી કરે ત્યારે પોલીસનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) જરૂરી હોય છે. પોલીસ વેરિફિકેશન બાદ પાસપોર્ટ કચેરીએથી પાસપોર્ટ ઇશ્યૂ થતો હોય છે. નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડતા હોય છે. કેટલીક વખત કલાકોના કલાકો સુધી લાઇનમાં પણ બેસી રહેવું પડે છે. જેના કારણે ઘણી વખત પોલીસ અને નાગરિક વચ્ચે ઘર્ષણ પણ ઊભું થતું હોય છે.

શહેરમાં ઘરઘાટીઓ દ્વારા ચોરી કરવાના ઇરાદે માલિકની હત્યા, લૂંટ જેવા અનેક કિસ્સાઓ બની રહ્યા છે. જેના કારણે શહેર પોલીસ કમિશનરે ઘરઘાટીઓની તમામ વિગતોની નોંધણી જે તે પોલીસ સ્ટેશનમાં કરાવવા માટેનું જાહરનામું બહાર પાડ્યું છે. આ માટે ફોર્મ ભરીને તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.

ગૃહ વિભાગે ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અતર્ગત સિટીઝન પોર્ટલ શરુ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન ‌િસટીઝન પોર્ટલ અંતર્ગત મોબાઇલ એપ પણ શરૂ કરાશે. પાસપોર્ટ વેરિફિકેશન માટે લોગ ઇન આઇડી મેળવ્યા બાદ વોટર આઇ ડી કાર્ડ, ઇલેકશન કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ કે પાસપોર્ટની વિગતો અપલોડ કરવાની રહેશે. આ વિગતોના આધારે જે તેે પોલીસ સ્ટેશન દ્વારા વેરિફિકેશન કરી દેવાશે. અરજદારે માન્ય આઇડી કાર્ડને સ્કેન કરીને અપલોડ કરવું પડશે. ઘરઘાટીની ઓનલાઇન નોંધણી માટે અરજદારે પોતાના તથા ઘરઘાટીના ઓળખ અને રહેઠાણના માન્ય પુરાવા અપલોડ કરવા પડશે.

પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તૈયાર થઇ ગયું હોય ત્યારે તેની જાણકારી સિનિયર સિટીઝન પોર્ટલ અથવા તો એસએમએસથી મળી જશે. આ અંગે ઇ-ગુજકોપના પ્રોજેકટ સંભાળતા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના એસપી અશોકકુમારે જણાવ્યું છે કે સિટીઝન પોર્ટલ અંતર્ગત પાસપોર્ટ વેરિફિકેશન અને ઘરઘાટીના ફોર્મની નોંધણી ઓનલાઇન કરી શકાશે જેના માટે કોઇ પણ નાગરિકને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. પોલીસ વેરિફિકેશન માટે અરજદારના ઘરે જશે.

You might also like