GST કમિટીની સોના પર ટેક્સની ભલામણઃ નાણાપ્રધાન

નવી દિલ્હી: નાણાપ્રધાને બજેટમાં જ્વેલરી ઉપર એક ટકા એક્સાઇઝ ડ્યૂટી લાદવાની દરખાસ્ત કરી છે તેના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના જ્વેલર્સ બીજી માર્ચથી અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર ઊતરી ગયા છે ત્યારે નાણાપ્રધાને જ્વેલર્સ સામે નરમ વલણ દાખવતાં જણાવ્યું છે કે એક્સાઇઝના મુદ્દે નાના જ્વેલર્સને પરેશાનીનો ભોગ નહીં બનવું પડે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ સ્પષ્ટ કહ્યું છે કે સરકાર લક્ઝરી ચીજવસ્તુઓ ઉપર ટેક્સ લગાવવામાં પાછી પાની નહીં કરે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયા બાદ એક ટકો એક્સાઇઝ ડ્યૂટી પણ તેમાં સામેલ થઇ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર લક્ઝરી ચીજવસ્તુઓ પર ટેક્સ ના નાખે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપર ટેક્સ નાખે તેવું બની ના શકે.

નાણાપ્રધાને જણાવ્યું કે લક્ઝરી ચીજવસ્તુઓને પોતાના હિસ્સાનો ટેક્સ ચૂકવવો પડશે. જો વેપારીઓને આ માટે એવું લાગે કે તેઓ પરેશાનીનો ભોગ બની રહ્યા છે તો સરકાર તેઓ સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ સોના, ચાંદી અને હીરા ઉપર ટેક્સ ચૂકવવો જ પડશે. નાણાપ્રધાને કહ્યું કે જીએસટી પર બનેલી કમિટીએ સોના ઉપર ટેક્સ લાદવાની ભલામણ કરી હતી. કમિટીએ કહ્યું હતું કે જો સોના ઉપર ટેક્સ નહીં લાદવામાં આવે તો બાકી અન્ય ચીજવસ્તુઓ ઉપર ટેક્સ વધારવો પડશે અને સરકાર આવું ના કરી શકે, કેમ કે સોનું સામાન્ય માણસ રોજબરોજ ખરીદતો નથી.

You might also like