Video: વડોદરાની જય અંબે સ્કૂલમાં હોબાળો, વાલીઓ સ્કૂલ બંધ કરાવવા પહોંચતા બબાલ

ગુજરાતભરમાં વાલીમંડળ દ્વારા શાળા બંધનુ એલાન કરવામાં આવ્યું છે. જો કે રાજ્યની ઘણી શાળાઓએ પોતાનું શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલુ રાખ્યું છે, જેમાં વડોદરાની જય અંબે સ્કૂલ પણ સામેલ છે.

જો કે વડોદરા ખાતે આના સિવાયની પણ સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે, જેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલીમંડળો દ્વારા સ્કૂલો બંધ કરાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વાલીમંડળનું એક જૂથ વડોદરાની જય અંબે સ્કૂલમાં પહોંચ્યું હતું અને હોબાળો કરવા લાગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પાસના નેતા હાર્દિક પટેલ દ્વારા બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. વડોદરાની જયઅંબે સ્કૂલમાં વાલીમંડળ પહોંચ્યું હતું અને શાળા બંધ કરવા માટે હોબાળો કર્યો હતો. હોબાળા બાદ સ્કૂલ છોડી મૂકવામાં આવી હતી.

જો કે તેની પહેલા વાલીમંડળ અને સ્કૂલના સંચાલકો વચ્ચે પણ બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. વાલીમંડળ બંધને સમર્થન આપવાના ઈરાદાથી સ્કૂલે પહોંચ્યું હતું. વાલીઓ કહી રહ્યા છે કે સ્કૂલ દ્વારા ફી મામલે કોઈ નોટિસ બોર્ડ પર લગાવવામાં આવી નથી. સરકારે આદેશ આપ્યા છે, તેમ છતાં સંચાલકો ફી નિયમનના કાયદાને ધ્યાનમાં લેતા નથી, તેવું કહી વાલીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

બીજી તરફ સ્કૂલમાં આવેલા બાળકોના માતા પિતા પણ સ્કૂલે પહોંચી ગયા હતા, જેથી કોઈપણ પ્રકારનો હોબાળો થાય તો તેઓ બાળકને સલામતીથી ઘરે લઈ જઈ શકે તેના માટે માતા પિતા સ્કૂલના ગેટની બહાર જ જોવા મળી રહ્યા હતા.

You might also like