પાસપોર્ટ માટે એપોઇન્ટમેન્ટ સ્લિપ લઇ જવી નહીં પડે, મેસેજથી જ થઈ જશે કામ

અમદાવાદ,શુક્રવાર
સ્વાભાવિક છે કે પાસપોર્ટને લગતી નાની મોટી ક્વેરી માટે રાજ્યભરમાંથી રિઝનલ ઓફિસનો તમામ લોકો દ્વારા સંપર્ક કરવામાં આવતો હોય છે. તેના લીધે લોકોનો ખાસ્સો એવો ધસારો જોવા મળતો હોય છે. ત્યારે આ ધસારો ઘટાડવા અને લોકોને ગુણવત્તાયુક્ત સુવિધા પૂરી પાડવા માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

પાસપોર્ટ બનાવવા માટે અરજદારે હવે પાસપોર્ટની એપોઇન્ટમેન્ટ સ્લિપ લઇ જવી નહીં પડે. પાસપોર્ટ સેવા કેન્દ્રમાં મોબાઇલ પર આવેલા મેસેજ પરથી આવેદનની પ્રોસેસ કરવામાં આવશે.તેમજ ગુજરાતમાં પેપરલેસ એપોઇન્ટમેન્ટની નવી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.

વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્રો પર પાસપોર્ટ બનાવવા માટે આવતા અરજદારોના આવેદનને પેપરલેસ કરવા તરફનું પગલું ભરતો આદેશ કરવામાં આવ્યો હતો. જેના હેઠળ રાજ્યના ત્રણેય પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. રિજિયોનલ પાસપોર્ટ કચેરીનાં સૂત્રોએ જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા મુજબ પાસપોર્ટ બનાવવા માગતા અરજદારોએ હવે પોતાની સાથે પાસપોર્ટ માટે કરેલી અરજીની સ્લિપ લઇ જવી નહીં પડે.

સેવા કેન્દ્ર પર જનાર અરજદાર પોતાના મોબાઇલમાં આવેલો એસએમએસ બતાવશે એટલે ત્યાં ફરજ પર હાજર અધિકારી પાસપોર્ટની કાર્યવાહી શરૂ કરી દેશે. અરજદારો માટે એપોઇન્ટમેન્ટની પ્રિન્ટ ફરજિયાત હતી, પરંતુ હવે આ કાર્યવાહી પેપરલેસ કરાઇ છે. જો કે અન્ય દસ્તાવેજો અગાઉની જેમ લઇ જવા ફરજિયાત છે.

આવનારા સમયમાં આ દસ્તાવેજોને પણ લઇ જવાની પ્રથા નાબૂદ કરાશે. અરજી સમયે તેની મૂળ કોપીને સ્કેન પર અપલોડ કરવાની રહેશે અને પાસપોર્ટ બનાવતી વખતે મૂળ કોપીને વેરિફિકેશન માટે લઇ જવી પડશે.તેમજ ઓનલાઇન એપોઇમેન્ટ લીધી ન હોય તો પણ અઠવાડિયામાં એક દિવસ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટે લઈ શકાશે અને ગુજરાતમાં તમામ પાસપોર્ટ ઓફિસમાં બુધવારે એપોઇન્ટમેન્ટ વગર પાસપોર્ટ ઓફિસમાં મળી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે.

You might also like