VIDEO: યાત્રાધામ અંબાજીમાં કેશની અછતથી યાત્રાળુઓ પરેશાન

યાત્રાધામ અંબાજીમાં છેલ્લાં 3 દિવસથી ATMમાં રોકડ ન હોવાનાં કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંબાજીનાં તમામ ATMમાં રોકડની કિલ્લત જોવાં મળી રહી છે. મહત્વનું છે કે, રવિવારે અંબાજીમાં ભારે ભીડ જોવા મળતી હોય છે.

જો કે હાલમાં ચાલી રહેલાં વેકેશનનાં કારણે આજે અંબાજીમાં ખૂબ જ ભીડ જોવા મળી હતી. આ દરમ્યાન લોકો ATMમાંથી રૂપિયા નીકાળવા માટે પહોંચ્યાં હતાં પરંતુ રોકડ રકમ ન મળતાં લોકો નિરાશ થઈને પરત ફર્યા હતાં.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનાં તમામ ATM આજે કેશ વિહોણા બન્યાં છે તો બધાં જ ATMની આગળ “કેશ પણ નથી”નાં બોર્ડ લાગતા ગ્રામજનો સહીત યાત્રિકોને પૈસા માટેની ભારે તકલીફ પડી રહી છે. ગુજરાતનાં મોખરાનાં યાત્રાધામ અંબાજી ખાતે આજે રવિવાર અને ચાલુ વેકેશનને લઇને મોટી સંખ્યામાં માઇભક્તો માં અંબાનાં દર્શનાર્થે આવ્યાં છે.

પરંતુ અંબાજીમાં આવ્યાં બાદ તેમને રોકડ પૈસા મેળવવા ભારે તકલીફ પડી રહી છે. અંબાજીનાં તમામ ATMની બહાર “નો કેશ”નાં બોર્ડ લાગી ગયાં છે તો સ્ટેટ બેન્કનાં ATMને તો ખોખું પહેરાવીને પેક પણ કરી દેવામાં આવ્યું છે. આ ATM છેલ્લાં 3 દિવસથી બંધ છે.

જેમાં માત્ર એક જ HDFCનું ATM ચાલુ હતું. આજે તે પણ બંધ થઇ ગયું છે કે જેને લઇને ATMમાંથી પૈસા નીકાળવા માટે 20 કિ.મી. દૂર આબુ રોડ જવું પડે તેવી પરિસ્થિતી સર્જાઇ છે અને ગ્રામજન સહીત યાત્રાળુઓ આ બંધ ATM દેખીને ભારે મુંઝવણમાં મુકાઇ ગયાં છે.

You might also like