ભારતીય જવાનોને ટાર્ગેટ કરવા પાકે. ૧૫૦થી વધુ સ્નાઈપર તહેનાત કર્યા

શ્રીનગર, ગુરુવાર
પાકિસ્તાની સેનાએ અંકુશરેખા પર ભારતીય સેના પર ‘બેટ’ દ્વારા હુમલો કરનારાં આતંકી સંગઠનોનું આઉટસોર્સિંગ કર્યા બાદ હવે સ્નાઈપર શૂટર પણ આતંકીઓને સોંપી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડર પર પાકિસ્તાન ભારતીય જવાનોને નિશાન બનાવવા માટે સ્નાઈપર શૂટરની મદદ લઈ રહ્યું છે અને આ માટે એક યોજના પણ બનાવવામાં આવી છે. ત્યાર બાદ ભારતીય સુરક્ષા દળને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભારતીય જવાનોને નિશાન બનાવવામાં સફળ રહેનાર જેહાદ્દી સ્નાઈપરને રૂ. ૫૦,૦૦૦થી એક લાખ સુધીનું ઈનામ પણ આપવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા ઉત્તર કાશ્મીરના કેરન સેક્ટરથી જમ્મુના પલાવાલા સુધી અંકુશરેખા પર ૧૫૦થી વધુ આતંકીઓને સ્નાઈપર શૂટિંગ માટે તહેનાત કરવામાં આવ્યા છે.

આ સ્નાઈપર શૂટર પીઓકે બાજુ તહેનાત કરવામાં આવ્યા છે. તેમનું મુખ્ય નિશાન માછીલ, ઉરી, તંગધાર, પુંચ, બિમ્બરગલી, રામપુર, કૃષ્ણાઘાટી જેવા વિસ્તારો છે. પીઓકેમાં આવેલા ટ્રેઈનિંગ કેમ્પમાં પાક.ની સ્પેશિયલ ઓપરેશન ટીમ સાથે આ સ્નાઈપર શૂટરને તાલીમ આપવામાં આવી રહી છે.

પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર છેલ્લા એક વર્ષ દરમિયાન ૩૨ જવાન પાકિસ્તાની ગોળીબારમાં શહીદ થયા છે તેમાં દોઢ ડઝન જવાનોને પાકિસ્તાની ચોકીઓમાં બેઠેલા જેહાદ્દી સ્નાઈપર શૂટરોએ નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન આર્મીની સાથે આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા, જૈશ અને હિઝબુલના આતંકીઓની સ્નાઈપર શૂટર તરીકે ભરતી કરવામાં આવી છે. આ સ્નાઈપર શૂટરને પાકિસ્તાનની મુજાહીદ બટાલિયન સાથે અનેક સ્થળોએ તહેનાત કરવામાં આવ્યા છે.

સ્નાઈપર શૂટર માટે પાકિસ્તાની સેના જ ટાર્ગેટ નક્કી કરે છે. ટાર્ગેટ નક્કી કર્યા બાદ પાકિસ્તાની સેના દ્વારા આતંકી સંગઠનના વડાને સ્નાઈપર શૂટર મોકલવાનું કહેવામાં આવે છે. આ સ્નાઈપર શૂટર એકલા હોતા નથી, પરંતુ તેમની સાથે એક કે બે શૂટર પણ આવે છે. ટાર્ગેટ નિશાન બનાવ્યા બાદ શૂટર પોતાના કેમ્પમાં પરત જતા રહે છે.

You might also like