VIDEO: વડોદરામાં ફિલ્મ “પદ્માવત” નહીં થાય રિલીઝ, મલ્ટિપ્લેક્સનાં સંચાલકોએ આપી ખાતરી

વડોદરા: વડોદરા ખાતે આજે રાજપૂત સમાજનાં આગેવાનો તેમજ કરની સેનાનાં આગેવાનોએ એક સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં આગામી દિવસોમાં રિલીઝ થનાર ફિલ્મ “પદ્માવત”ને લઈને કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી.

રાજપૂત સમાજ સહિત શહેરનાં અનેક હિંદુ સંગઠનો દ્વારા આજે સવારે ફિલ્મ “પદ્માવત” રિલીઝ નહીં કરવાનાં વિરોધમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશાલ રેલી શહેરનાં રાજમાર્ગો પર ફેરવ્યા બાદ રાજપૂત સમાજ અને હિંદુ સંગઠનનાં આગેવાનોએ શહેરનાં થિયેટર સંચાલકો સાથે મુલાકાત કરી હતી.

આ મીટિંગમાં ફિલ્મ “પદ્માવત”ને નહીં દર્શાવવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આ બેઠકનાં અંતે શહેરનાં થિએટર અને મલ્ટીપ્લેક્ષ સંચાલકો દ્વારા હિન્દૂ સમાજની લાગણીને ઠેશ પહોંચે એવા વિવાદ સાથે જોડાયેલ ફિલ્મને થિએટરમાં રજૂ નહીં કરવા મક્કમતા બતાવી હતી.

હિંદુ સમાજને હૈયાધારણ આપી ફિલ્મની પ્રિન્ટ મફત મળશે તો પણ ફિલ્મ નહીં બતાવીએ એવું જણાવવામાં આવ્યું હતું. એક તરફ રાજ્યભરમાં ફિલ્મ નહીં રિલીઝ થવાનાં મુદ્દે કરણીસેના દ્વારા રસ્તા રોકો આંદોલન અને રેલીઓ કાઢવામાં આવી રહી છે તેની સામે રાજપૂત સમાજ અને ફિલ્મ થિએટરનાં સંચાલકો વચ્ચે સમાધાનપૂર્વકની બેઠક સફળ થયા બાદ હવે રાજપૂત સમાજે ફિલ્મને લઈને જે આંદોલન શરૂ કર્યું હતું તેને સ્થગિત કરી દેવાનો આદેશ આપ્યો હતો.

ફિલ્મ નહીં રિલીઝ કરવાની ખાતરી મળ્યા બાદ આજે વડોદરા ખાતે પત્રકારો સાથે વાત કરતા રાજપૂત સમાજનાં આગેવાન પરાક્રમસિંહ જાડેજાએ રાજપૂત યુવકોને મીડિયાનાં માધ્યમથી અપીલ કરીને આંદોલન સ્થગિત કરી દેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ થિએટર સંચાલકોનો આભાર પણ માન્યો હતો.

You might also like