PAASની ચીમકી, મોરબી-બોટાદ બેઠકમાં ટિકીટ નહીં મળે તો કોંગ્રેસને હરાવીશું

ગુજરાતમાં ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કયા ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અને કયા ઉમેદવારોને ટિકીટ અપાશે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

કોંગ્રેસમાં તો છેલ્લા ઘણા દિવસોથી કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાની બેઠક માટે ટિકીટ માગી રહ્યા છે. જો કે આ વખતે પાટીદારો પણ ચૂંટમીમાં ઝંપલાવવા જઈ રહ્યા છે. એવામાં પાટીદારોના કેટલાક સંભવિત નામો પણ જાણવા મળી રહ્યા છે.

PAASની ટીમે કોંગ્રેસને મોરબીની ટંકારા સીટ માટે મનોજ પનારાને ટિકીટ આપવાની માગણી કરી છે. જો મનોજ પનારાને ટિકીટ ન આપવામાં આવે તો મહેશ
રાજકોટિયા માટે ટિકીટ માંગી છે, પરંતુ આ બંનેમાથી કોઈ અન્યને ટિકીટ અપાશે તો કોંગ્રેસને હરાવવાની પણ ચીમકી આપવામાં આવી છે.

પાસ કમિટીના એક સભ્યે જણાવ્યું હતું કે, ‘અમે કોંગ્રેસ પાસે મોરબીની ટંકારા સીટ માટે મનોજ પનારાને ટિકીટ આપવાની રજૂઆત કરી છે. જો મનોજ પનારાને નહીં તો મહેશ રાજકોટિયા માટે ટિકીટ માગી છે. જો કોંગ્રેસ અમને ટિકીટ નહીં આપે તો અમે ભાજપ અને કોંગ્રેસ બંનેની મોરબીમાંથી વિદાય કરીશું અને અપક્ષનો સાથ આપીશું.’ PAASની ટીમે મોરબીની 3 સીટોમાંથી 1 સીટ ટંકારાની સીટ માટે મનોજ પનારાને ટિકીટ આપવાની રજૂઆત કરી છે.

બીજી તરફ બોટાદમાં પણ કોંગ્રેસની પાસની ટીમ દ્વારા ચીમકી આપવામાં આવી છે. બોટાદની પાસની ટીમે કોંગ્રેસને ચીમકી આપતાં કહ્યું છે કે, કોંગ્રેસ દ્વારા કોઈપણ આયાતી ઉમેદવારોને ટિકીટ આપવામાં ન આવે. સ્થાનિક ઉમેદવારોને લાભ આપવામાં આવે.

You might also like