Ahmedabad: બી સફલ ગ્રૂપના માલિકો-મ્યુનિ. અધિકારીઅો વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં આવેલા લખુડી તળાવ આવાસ યોજનાનાં મકાનો ફાળવવાનાં કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ નારણપુરા પોલીસે બી સફલ ગ્રૂપના માલિકો- કર્મચારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને લખુડી તળાવ આવાસ યોજનાના ચેરમેન અને સેક્રેટરી સહિતના લોકો વિરુદ્ધ છેતરપિંડી, ભ્રષ્ટચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આરોપીઓએ ભેગા મળી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલાં ૫૬૮ મકાનો અને દુકાનોમાંથી કાયદેસર ૧૪૮ની ફાળવણી કરી અન્ય મકાનો જે પીડિતોને મકાન ફાળવવાનાં હતાં તેની જગ્યાએ અન્ય લોકોને તેમજ એક જ પરિવારના નામે એક કરતા વધુ મકાનો ફાળવી કૌભાંડ આચર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી વિજિલન્સ તપાસમાં કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું અને ચાર અધિકારીઓને તેમાં દોષિત ઠેરવ્યા હતા.પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન નવરંગપુરા સ્ટેડિયમ નજીક આવેલા લખુડી તળાવ નજીક ઝૂંપડાંમાં રહેતા પરિવારોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરી ઝૂંપડાં તોડી ત્યાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવી મકાન ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઝૂંપડાંમાં રહેતા લોકોના રહેઠાણના પુરાવા લઈ ત્યાં કુલ ૫૬૮ મકાન-દુકાન બનાવવામાં આવ્યાં હતાં.

આવાસ યોજનાનાં આ મકાનો બનાવવાનો કોન્ટ્રાકટ બી સફલ ગ્રૂપને આપવામાં આવ્યો હતો. મકાનો બની ગયા બાદ જે રહીશોને મકાન ફાળવવાના તેની જગ્યાએ અન્ય લોકોને મકાન અને દુકાનની ફાળવણી કરી દેવામાં આવી હતી.

રહીશોએ આ અંગે અનેક જગ્યાએ રજૂઆત કરી હતી. સામાજિક કાર્યકર અને કોંગ્રેસના કાર્યકર જનકસિંહ પરમારે આ કૌભાંડને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર, સ્થાનિક ધારાસભ્ય અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી પરંતુ આ કૌભાંડ અંગે કોઈ તપાસ કરવામાં આવી ન હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજિલન્સ વિભાગને તપાસ સોંપાઈ હતી.

તપાસમાં ‘૫૬૮ આવાસોની ફાળવણીમાંથી ૪૨૦ આવાસોમાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ૧૫૭ જેટલાં મકાનોમાં વિના મંજૂરીએ ભાડૂત રહે છે જ્યારે ૧૫૫ મકાનોમાં મૂળ માલિકના બદલે અન્ય લોકો રહે છે. ૧૦૮ આવાસો બંધ છે. ઉપરાંત પાંચ પરિવારો એવા છે કે, જેમને એક કરતાં વધુ અર્થાત્ પાંચ-પાંચ મકાનો ફાળ‌વવામાં આવ્યાં છે. આ ગંભીર ગેરરીતિ પાછળ હાઉસિંગ પ્રોજેકટના તત્કાલીન ચાર અધિકારીઓ કે. જે.મોદી, આશિષ પટેલ, મૂકેશ પટેલ અને રાજેશ ઠાકર દોષિત ઠેરવ્યા હતા.

બોગસ પુરાવાના આધારે મકાન મેળવેલા લોકોના ખોટા પુરાવાની ખરાઈ નોટરી વકીલ સંતોષભાઈ પટવા, આશાબહેન બ્રહ્મભટ, અને અન્ય વકીલોએ કરી આપી હતી.

મકાનોની ગેરકાયદે ફાળવણી અને ભ્રષ્ટાચારને લઇ જનકસિંહ પરમારે આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. આ પિટિશન પછી ખેંચી લેવા માટે ડોન રવિ પૂજારીના નામે જનકસિંહ પરમારને ધમકી પણ આપવામાં આવી હતી. પિટિશનમાં કરાયેલી રજૂઅાત મુજબ બી સફલ ગ્રૂપના માલિકો- કર્મચારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ભેગા મળી વાસ્તવિક થયેલ સર્વેની યાદીનું લિસ્ટ બદલી નાખ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં થયેલી ગુજરાત હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે લખુડી તળાવ કો.ઓપરેટિવ સોસાયટીમાં મકાન અને દુકાન ફાળવણીમાં એક પરિવારના નામે એક કરતા વધુ મકાનોની ફાળવણી બોગસ ડોક્યુમેન્ટના આધારે થઇ છે જેથી આ મામલે જવાબદાર લોકો સામે ગુનો નોંધવામાં આવે.

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન લખુડી તળાવના રહેવાસીઓનાં રહેઠાણ પુરાવા લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી જે.કે.મોદી, આશિષ પટેલ, મૂકેશ પટેલ અને રાજેશ ઠાકર તેમજ બી સફલ ગ્રૂપના માલિકો, નોટરી વકીલ અને લખુડી તળાવ આવાસ યોજનાના ચેરમેન અને સેક્રેટરી સહિતના લોકોએ ભેગા મળી કૌભાંડ આચર્યું હતું. નારણપુરા પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

You might also like