OROPને લઈને દિલ્હીમાં એક પૂર્વ સૈનિકની આત્મહત્યા

નવી દિલ્હી: વન રેન્ક વન પેન્શન (OROP)ની માગણીને લઈને દિલ્હીમાં જંતરમંતર ખાતે વિરોધ કરી રહેલા એક્સ આર્મીમેન રામકિશન ગરેવાલે ઝેર ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા કરનાર રામકિશન ગરેવાલના પુત્રએ જણાવ્યું હતું કે તેના પિતાએ તેને ફોન કરીને જણાવ્યું હતું કે તે હવે આત્મહત્યા કરવા જઈ રહ્યા છે કારણ કે સરકાર તેમની માગણી સ્વીકારતી નથી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ રામકિશન ગરેવાલના પરિવારને મળવા હરિયાણા જશે.

મૃતક પૂર્વ સૈનિક રામકિશન ગરેવાલ વન રેન્ક વન પેન્શનના મુદ્દા પર સરકારના નિર્ણયથી અસંતુષ્ઠ હતો અને તેથી તે અને તેમના કેટલાક સાથીઓ સોમવારથી દિલ્હીમાં જંતરમંતર ખાતે ધરણાં કરી રહ્યા હતા. રામકિશન ગરેવાલના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મંગળવારે બપોરે રામકિશન ગરેવાલ અને પોતાના સાથે સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરને મળવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ રામકિશન ગરેવાલે ઝેર ખાઈ લેતાં તેને તાત્કાલિક રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં પાછળથી તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રામકિશન ગરેવાલે આત્મહત્યા પૂર્વે એક નોંધ પણ લખી હતી તેમાં તેમણે લખ્યું હતું કે હું મારા દેશ, માતૃભૂમિ અને જવાનો માટે મારા પ્રાણ ન્યોછાવર કરું છું. દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે રામકિશન ગરેવાલની આત્મહત્યા પર ટ્વિટ કરતાં લખ્યું છે કે આનો અર્થ એ થયો કે વડા પ્રધાન જૂઠું બોલી રહ્યા છે કે વન રેન્ક વન પેન્શનનો અમલ કરવામાં આવ્યો છે. જો અમલ કરાયો હોય તો પછી રામકિશનને આત્મહત્યા કેમ કરવી પડી ? મોદી રાજમાં ખેડૂતો અને જવાનો બંને આત્મહત્યા કરી રહ્યા છે.

You might also like