24 X 7 અોનલાઈન યંગસ્ટર્સ ઇ-વોટિંગ માટે અોફલાઈન

અમદાવાદ: સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહેલા અમદાવાદ સહિતનાં અન્ય પાંચ સાથે કુલ છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ગણતરીના દિવસોમાં સંપન્ન થશે ત્યારે ઈ-વોટિંગ માટે સતત પ્રોત્સાહિત કરતા ચૂંટણીપંચને આજના ઈ-યુગમાં પણ ઈ-વોટર્સનો પ્રતિસાદ અપેક્ષિત મળી રહ્યો નથી. અમદાવાદના કુલ ૩૯,૮૩,૫૮૯ લાખ મતદારો હોવા છતાં ઓનલાઇન વોટિંગ માટે અત્યાર સુધીમાં માત્ર ૧૧૦૦ મતદારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમદાવાદની વસ્તીમાં યુવા વર્ગ સામેલ હોવા છતાં તેમજ આ યુવા પેઢી સતત ઓનલાઇન રહેવા છતાં ચૂંટણીપંચમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાથી હજુ પણ થોડી સુસ્ત છે. યુવાવર્ગ ઉપરાંત ટેક્નોસેવી પ્રજા હજુ પણ ઈ-વોટિંગ માટે નિરુત્સાહી વલણ ધરાવે છે.
આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલનું કહેવું છે કે ઈ-વોટર માટેનો વાસ્તવિક આંકડો મળી શક્યો નથી, પરંતુ આ સંખ્યા આશરે ૧૧૦૦ જેટલી છે. ઓનલાઇન વોટિંગ માટે નોંધણીની પ્રક્રિયા તા. ૨૩ ઓક્ટોબરથી રાજ્ય ચૂંટણીપંચની વેબસાઇટ પર શરૂ થઈ ચૂકી છે. છ મહાનગરપાલિકાઓ માટે ઓનલાઇન વોટિંગ સિસ્ટમમાં ગઈ કાલ સુધી અમદાવાદમાં ૧૧૦૦, સુરતમાં ૧૫૦૦, વડોદરામાં ૬૦૦, રાજકોટમાં ૭૫૦ અને જામનગરમાં ૪૫૦ તેમજ ભાવનગરમાં ૬૫૦ ઈ-વોટર્સ નોંધાયા છે.

આ વર્ષે પહેલી વાર કોર્પોરેશનની ચુંટણીમાં હું વોટિંગ કરવાનો છું. જ્યારે મને ઓનલાઈન વોટિંગ વિશે જાણ છે, પરંતુ હું મારા પરિવાર સાથે મતદાન કેન્દ્ર પર જઈ વોટ કરીશ. જે પક્ષ સત્તા પર આવે તેણે ટ્રાફિક, પાર્કિંગ, ખરાબ રસ્તાઓનું નિરાકરણ લાવવું જોઈએ.
ઉત્સવ શાહ, શાહીબાગ
મારા મતે શહેરમાં પાણી, ખરાબ રસ્તા અને પાર્કિંગની સમસ્યા ખૂબ ગંભીર છે. જ્યારે હું આ વર્ષે પહેલી વાર કોર્પોરેશનની ચૂંટણીમાં વોટ આપવાનો છું. ઓનલાઈન વોટિંગ કરવાના બદલે મતદાન કેન્દ્ર પર જ વોટ કરીશ.
આદિત્ય રાજા, અંકુર

ઈ-વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હું આ વર્ષે પહેલીવાર વોટ કરી રહ્યો છું. શહેરમાં ટ્રાફિક, ખરાબ રસ્તા અને સ્વચ્છતા એક ગંભીર સમસ્યા છે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે.
વિનય અગ્રવાલ, હાંસોલ
મને ઓનલાઈન વોટિંગ વિશે કોઈ જાણ નથી અને તેના માટે મેં કોઈ રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી. પરંતુ હું આ વર્ષે પહેલી વાર વોટિંગ કરવાની છું. શહેરના ટ્રાફિક, ખરાબ રસ્તા અને સ્વચ્છતાની સમસ્યા હલ કરવી જોઈએ.
કૃપા શાહ, ઉસ્માનપુરા

હું આ વર્ષે મતદાર કેન્દ્ર પર જઈને વોટિંગ કરવાની છું. મારા મતે ટ્રાફિક , ખરાબ રસ્તાની સમસ્યા ખૂબ ગંભીર છે. જ્યારે શહેરમાં સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે. મને ઈ-વોટિંગની જાણ નથી.
કૃતિ પટેલ, વાડજ

હું સરદારનગર વિસ્તારમાં રહું છું. જ્યારે અમારા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા છે જેથી જે કોઈ ઉમેદવાર આવે તે આ સમસ્યાનું નિરાકરણ લાવે. હું આ વખતે પહેલી વાર વોટ કરવાની છું. ઓનલાઈન વોટિંગ નહીં, પરંતુ બૂથ પર જઈ વોટ કરીશ.
કાજલ યાદવ, સરદારનગર

મારા મતે શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સૌથી વિકટ છે. અમારા વિસ્તારમાં ક્યારે પાણીની સમસ્યા પણ થતી હોય છે. હું આ વર્ષે પહેલી વાર ઓનલાઈન વોટિંગ કરીશ.
ભાષા શાહ, નારણપુરા

મારા વિસ્તારમાં ખરાબ રસ્તા-પાણીની સમસ્યા છે સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળે છે. મોબાઈલથી ઓનલાઈન વોટિંગ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ધવલ પટેલ, નરોડા

You might also like