ONGCની પાઇપલાઇનનું લોક તોડી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયુંઃ ગુનેગારો પલાયન

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના હરણિયાવ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનનું લોક તોડી ઓઇલ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, દસક્રોઇ તાલુકાના હરણિયાવ ગામની સીમમાંથી પસાર થતી ઓએનજીસીની પાઇપ લાઇનમાંથી ઓઇલની ચોરી કરવામાં આવતી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ તેમજ કંપનીના સિક્યુરિટી ગાર્ડે તાત્કાલીક ઉપરોક્ત સ્થળે પહોંચી જઇ તપાસ હાથ ધરતા પાઇપલાઇન તેમજ તેલના કૂવાના નકૂચા તેમજ લોક તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા.

તેમજ આ સ્થળેથી બિનવારસી હાલતમાં એક ટેન્કર પણ મળી આવ્યું હતું. ટેન્કરમાં ચેક કરતા તેમાં ૮૦૦૦ લિટર ઓઇલનો જથ્થો હોવાનું જણાયું હતું.

ગુનેગાર ટોળકી પાઇપલાઇનના લોક તોડી કિંમતી ઓઇલની ચોરી કરી મોટી કમાણી કરતી હતી જોકે ગુનેેગારો નાસી છૂટ્યા હતા. કણભા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પકડાયેલા ટેન્કરના માલિક તેમજ ડ્રાઇવર અંગે સઘન તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી.

You might also like