મોબાઇલ અને ઇન્ટરનેટ કોઇપણ સમયે રહેશે ચાલુ.. જાણો કેવી રીતે

નવી દિલ્હી: આજકાલ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની બોલબાલા છે તેને જોતાં આવી સુવિધા જાણે હવે પ્રાથમિક જરૂરિયાત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ આવી સેવા કુદરતી આપત્તિ વખતે ખોરવાઈ જતી હોય છે. તેથી ભૂકંપ અથવા અન્ય આપાતકાલીન સ્થિતિમાં પણ જે તે ગ્રાહક મોબાઈલ અથવા ઈન્ટરનેટની સેવા મેળવી શકે તે દિશામાં ટ્રાઈ તરફથી પ્રયાસો ચાલી રહ્યા છે.

ટ્રાઈ આ અંગે પબ્લિક પ્રોટેક્શન એન્ડ ડિઝાસ્ટર રિલીફ (પીડીપીઆર) કોમ્યુનિકેશન નેટવર્ક દ્વારા આવી સેવા કુદરતી આપતિના સમયે પણ મળી રહે તે માટે આયોજન કરી તેને વાસ્તવિક રીતે અમલમાં મૂકી શકાય તેવી ની‌િત પર કામ કરી રહ્યું છે. ટેલિકોમ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નેટવર્ક કેવું હોય અને કેવી સ્થિતિમાં ગ્રાહકોને તેની સેવા મળી શકે, તેની અન્ય શરતો કેવી હોય સહિતની અન્ય બાબતો અંગે વિવિધ મોબાઈલ કંપનીઓ અને આ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ સંબધિત અન્ય તમામ લોકો પાસેથી સલાહ-સૂચનો મંગાવવામાં આવ્યાં છે. આ માટેની મુદત ૪ ડિસેમ્બર સુધીની છે. સરકારનો દાવો છે કે આ નીતિનો અમલ થઈ જશે તો નેટવર્ક જામની સ્થિતિમાંથી કાયમી છુટકારો મ‍ળી રહેશે.

આમ તો સામાન્ય રીતે મોબાઈલ નેટવર્કના માળખામાં પૂર, ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આપતિ બાધારૂપ બનતી હોય છે અને આવી સ્થિતિમાં લોકોને મોબાઈલ કે ઈન્ટરનેટની સેવા મળી શકતી નથી તેમાં પણ ખાસ કરીને મોબાઈલ ટાવર કે લાઈનની પણ સમસ્યા પણ ઊભી થતી હોય છે ત્યારે હાલ મોબાઈલ કંપનીઓ પાસે આવી સ્થિતિનો સામનો કરવા માટે કોઈ અલગ ઈમર્જન્સી સિસ્ટમ નથી.

તેથી જો હવે ટેલિકોમ કંપનીઓ તૈયારી દર્શાવશે તો તે માટે અલગ માળખું ઊભું થઈ શકે તેમ છે, જેમાં એવો પ્રસ્તાવ થયો છે કે ઈમર્જન્સી વખતે એક ટોલ ફ્રી નંબર આપવામાં આવે. જેના પર કોઈ પણ ઓપરેટરની સર્વિસ સાથે ફોન થઈ શકે અને તેના આધારે ઈમર્જન્સીમાં પણ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટની સેવા ચાલુ રહે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે અને તે રીતે સેવા મળી શકે તેમ છે.

You might also like