‘કારનાં બોનેટ પર ઓઈલ ઢોળાયું છે’ કહી વેપારીની રૂ.બે લાખ ભરેલી બેગની ચોરી

0 31

અમદાવાદ: ‘તમારી કારના બોનેટ પર ઓઈલ ઢોળાયું છે’ કહી નજર ચૂકવી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બની છે. વેજલપુર આનંદ નગર રોડ પર જે.પી. હાઉસ નજીક વેપારી અને તેના ડ્રાઈવરની નજર ચૂકવી રોકડા રૂપિયા બે લાખ, લેપટોપ અને અગત્યનાં ડોક્યુમેન્ટ ભરેલી બેગ કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ સેટેલાઈટ વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર રોયલ શોલિટેયરમાં ગિરીશભાઈ શર્મા તેમના પરિવાર સાથે રહે છે. એસ.જી હાઇવે પર અભિજિત સ્કવેરમાં તેઓ એડ્વાઇઝ નામની કન્સલ્ટન્સી ધરાવે છે. ગઈ કાલે બપોરે ગિરીશભાઈ તેમની કારમાં ડ્રાઈવર નીતિનભાઈ સાથે ઘરેથી નીકળ્યા હતા.

સાડા ત્રણની આસપાસ તેઓ વેજલપુર આનંદ નગર રોડ પર જે.પી. હાઉસ નજીક સાંઈ પણ પાર્લર ખાતે મસાલો ખાવા ઊભા રહ્યા હતા. ડ્રાઈવર નીતિનભાઈ કારની બહાર ઊભા હતા.

દરમ્યાનમાં મસાલો ખાઈ અને ગિરીશભાઈ પરત આવ્યા ત્યારે નીતિનભાઈએ કારના બોનેટ પર ઓઈલ ઢોળાયેલું છે તેવું જણાવ્યું હતું. બંને કારના બોનેટ પાસે જઈ જોતાં કોઈ ઓઈલ ઢોળાયું હતું નહીં. કારમાં પરત બેસતી વખતે જોતાં કારની પાછળની સીટમાં મૂકેલી બેગ ગાયબ હતી. રોકડા રૂપિયા બે લાખ, એપલનું આઇપોડ, બે મોબાઈલ અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી બેગ કોઈ અજાણી વ્યક્તિ નજર ચૂકવી અને ફરાર થઇ ગઈ હતી.

અજાણી વ્યક્તિ દસ જ મિનિટમાં ‘તમારી કારના બોનેટ પર ઓઈલ ઢોળાયું છે’ કહી નજર ચૂકવી ચોરી કરી ફરાર થઇ જતાં ગિરીશભાઈએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.