ITનાં પત્રોમાં સંપર્ક વિગતો આપવા અધિકારીઓને સૂચના

નવી દિલ્હી : આવકવેરા ખાતાના નામે લોકોને છેતરવામાં આવતા હોવાથી નાણા મંત્રાલયે ખાતાએ મોકલેલા પત્રો તથા નોટિસોમાં સત્તાવાર ઇ-મેઇલ અને સત્તાવાર ફોન નંબર લખવાનું અધિકારીઓને જણાવ્યું છે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાના આદેશાનુસાર થોડા વખત પહેલા મંત્રાલયે ઉકત સૂચના આવકવેરા ખાતાના ઉચ્ચાધિકારીઓને મોકલી હતી.

એમાં કહેવામાં આવ્યું હતું. કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ સહિતના મહેસૂલ વિભાગના કોઇપણ કાર્યાલય દ્વારા નોટિસ, પત્ર મોકલાય કે સંદેશવ્યવહાર થાય ત્યારે એમાં એના પર સહી કરનાર અધિકારીઓના ફોન નંબર અને ઇ-મેઇલ એડ્રેસ હોવા જોઇએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

જો કરદાતાને આવા કોઇ પત્ર વ્યવહાર વિશે શંકા જાય તો તેઓ સંબંધિત અધિકારીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત આવકવેરા ખાતા તરફથી મોકલાતા ઇલેકટ્રોનિક સંદેશની સલામતી વધારવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. સીબીડીટીએ કરવેરા ખાતા અને કરદાતા વચ્ચેના સંદેશા વ્યવહાર માટે ઇલેકટ્રોનિક માધ્યમનો ઉપયોગ વધારવાનું નકકી કર્યું છે.

ખાતાએ હાલમાં કેટલાંક શહેરોમાં કરદાતાનું ઇ-મેઇલ આધારિત સ્કુટીની અસેસમેન્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કર્યું છે. આ પ્રોજેકટનો ઉદેશ કરદાતાના ધકકા બચાવવાનો છે. હાલં મુંબઇ, દિલ્હી, બેંગલોર, અમદાવાદ અને ચેન્નાઇમાં ૧૦૦-૧૦૦ માણસોને સ્કુટીનીના ઇલેકટ્રોનિક સંદેશ મોકલવામાં આવ્યા હતા. કરદાતા કાર્યાલયમાં ગયા વગર જ જો આવશ્યક માહિતી પૂરી પાડી શકતા હોય તો તેમને આ સુવિધા ઘણી ઉપયોગી થશે.

You might also like