NTPCપ્લાન્ટ દુર્ઘટનામાં 30ના મોત,100 ઘાયલ, મેનેજમેન્ટે ભૂલ સ્વીકારી, મળશે 20 લાખ વળતર

રાયબરેલીના ઉંચાહારમાં NTPC પ્લાન્ટમાં થયેલ દુર્ઘટનાને 48 કલાક પસાર થઈ ચૂક્યા છે. આ દુર્ઘટનામાં 30 લોકોના મોત થયા છે. NTPC મેનેજમેન્ટે હવે પોતાની ભૂલ કબૂલ કરી છે. પ્લાન્ટના અધિકારી રવિન્દ્ર સિંહ રાઠીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી ઘટનાની વિગત મીડિયાને જણાવી હતી અને કબૂલ કર્યું હતું કે, મશીનમાં ખામીઓ હતી. માનવાધિકાર પંચે પણ આ મામલે રાજ્ય સરકારને નોટિસ મોકલી છે અને 6 અઠવાડિયામાં જવાબ માગ્યો છે.

NTPCએ પોતાની ભૂલ કબૂલી
NTPCની દુર્ઘટનાના 27 કલાક બાદ મેનેજમેન્ટે પોતાની ભૂલ કબૂલી લીધી હતી. ફાટેલ બોઈલ અને તેના ધુમાડા અને તેમાં બળેલી સામાન્ય જિંદગીઓ પાછળ NTPCની બેદરકારી જ જવાબદાર છે. તેવું NTPCએ કબૂલ કર્યું છે.

શું હતી ઘટના?
NTPCના જણાવ્યા પ્રમાણે પ્લાન્ટમાં એશ એવિક્શનની કમી હતી. જેની પ્લાન્ટને જાણ હતી, તેથી 190 મેગાવોટ સુધીનો લોડ ઓછો કરી દેવામાં આવ્યો હતો. બૉટમ એશના કારણે પ્રેશર વધ્યું હતું અને સ્ટ્રક્ચરની પેઈન્ટિંગ કરતા લોકો તેની ઝપટમાં આવી ગયા હતા. ફ્લૂ ગેસની ઝપટમાં આવેલા કર્મચારીઓ વધુ સળગ્યા હતા. બોઈલર ફાટવાના કારણે આ ઘટનામાં 30ના મોત થયા છે, અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને રાયબરેલી અને લખનઉ મોકલવામાં આવ્યા છે. 5 લોકોને સારવાર માટે દિલ્લી પણ લઈ
જવાયા છે.

તપાસ ટીમની રચના
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે, જે એક મહિનાની અંદર પોતાનો રિપોર્ટ તૈયાર કરીને સોંપી દેશે.
શું મળશે વળતર?
ઘટના સ્થળે પહોંચેલા ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, મૃતકોના પરિવારોને એનટીપીસી તરફથી 20-20 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે. ગંભીર ઘાયલોને 10 અને અન્યને 2-2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત તેમને વડાપ્રધાન રાહતકોષમાંથી પણ 2-2 લાખ રૂપિયા આપવામાં આવશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલ લોકોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઘાયલ હોય તેવા લોકોને 25 હજાર રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

You might also like