GST ઇફેક્ટઃ નોટબુક-ચોપડાના ભાવમાં ર૦ ટકા વધારો થયો

અમદાવાદ: જૂનથી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષની વિદ્યાર્થીઓની અભ્યાસને લગતી સ્ટેશનરીની ખરીદી માટે વાલીઓએ ર૦ ટકા બજેટ વધારી દેવું પડશે. જીએસટીની ઇફેક્ટના કારણે આ વર્ષે નોટબુક અને ફૂલસ્કેપ ચોપડા ર૦ ટકા મોંઘા થયા છે. બાળકો શાળામાં પ્રવેશ લે ત્યારથી જ વાલીઓ પર આર્થિક બોજ શરૂ થાય છે. સ્કૂલ ફી, રિક્ષા કે વાનભાડું, ટ્યૂશન, સ્ટેશનરી, સ્કૂલબેગ સહિતના ખર્ચ વર્ષની શરૂઆતમાં જ કરવા પડે છે.

આ વર્ષે જીએસટીના કારણે ગયા વર્ષની સરખામણીએ ચોપડા મોંઘા થયા છે. કેટલાક વેપારીઓએ ફૂલસ્કેપ ચોપડાના ભાવ યથાવત્ રાખીને ચોપડામાંથી આઠથી દસ પેજ ઓછાં કરી દીધાં છે. શહેરમાં ખાસ કરીને ગાંધીરોડ પુસ્તક કે ચોપડા ખરીદીનું હબ ગણાય છે. પુસ્તક બજારમાં નોટબુક-ચોપડાની ખરીદી શરૂ થઇ ચૂકી છે.

મોટા ભાગે વાલીઓ બાળકની સ્કૂલના એક મહિના પહેલાં સ્ટેશનરીની ખરીદી કરી લેતા હોય છે, જેથી પાઠ્યપુસ્તકો સહિતની અન્ય ખરીદીનું બજેટ બે માસમાં વહેંચાઇ શકે. કેટલીક વાર શાળા ખૂલવાના સમયે પણ સ્ટેશનરીના ભાવ વધી જતા હોવાના કારણે વહેલી ખરીદી શરૂ થઇ જાય છે.

રેગ્યુલર ફૂલસ્કેપ ચોપડાની કિંમત રૂ.૩૦૦થી ૪૮૦ પ્રતિડઝન છે. નોટબુકના ભાવ રૂ.૧ર૦થી ૩૦૦ પ્રતિડઝન રહે છે. આ બન્ને પર જીએસટી પહેલાં વેટ ટેક્સ માત્ર ૬ ટકા હતો, જે વધીને હવે ૧ર ટકા થયો છે. અમદાવાદ સહિતનાં મુખ્ય શહેરોમાં ગુજરાત બોર્ડ અને કેન્દ્રીય બોર્ડની ખાનગી શાળાઓમાં ધોરણ-૧૦ અને ૧રના શિક્ષણકાર્યની શરૂઆત થઇ ચૂકી છે.

સીબીએસઇના અભ્યાસક્રમમાં પણ નવા શૈક્ષણિક વર્ષનું શિક્ષણકાર્ય શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાત સ્ટેશનરી એસોસિયેશનના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે નોટબુક અને ફૂલસ્કેપ ચોપડામાં એ અને બી ગ્રૂપનાં પેજ આવે. પેપરના ભાવમાં પ્રતિકિલો રૂ.૧૦ થી ર૦નો વધારો થયો છે. ઉપરાંત જીએસટીના કારણે જે ચોપડા ગયા વર્ષે રૂ.ર૦૦થી રૂ.રપ૦ના ભાવે વેચાતા હતા તે હવે રૂ.૩૦૦થી વધુ ભાવે વેચાઇ રહ્યા છે. કેટલાક વેપારીઓએ ભાવ વધાર્યો નથી, પરંતુ વાલીઓને અંધારામાં રાખે છે. રેગ્યુલર ફૂલસ્કેપમાંથી ૮ થી ૧૦ પેજ ઓછાં કરીને મૂળ ભાવે વેચે છે.

જોકે હવે ઓનલાઇન સ્ટેશનરી-ચોપડાઓની ખરીદી કરવાનું ચલણ પણ વધ્યું છે. યુનિફોર્મમાં પણ ૧૦ ટકા જેટલો ભાવ વધારો તોળાઇ રહ્યો છે. તેથી નવા સત્રની શરૂઆતે વાલીઓની ચિંતામાં વધારો થશે.

You might also like