Metro Diary: આરટીઓમાં માત્ર એજન્ટ રાજ જ નથી..!

સામાન્ય રીતે એન્ટ્રી મેળ‍વતાં વાહન માલિકો કે ચાલકોને આરટીઓના પ્રવેશદ્વાર ઉપર એન્ટ્રી કરાવાય છે. રજિસ્ટર મેન્ટેન થાય છે કે શા માટે અને કોને મળવાનું છે. જોકે છતાં આરટીઓમાં એજન્ટ રાજ યથાવત્ છે. એજન્ટો બે રોકટોક ઘૂસી શકે એટલું ઓછું હોય તેમ હવે રખડતાં કૂતરાંઓ પણ આરામથી આરટીઓ ઓફિસમાં આરામ ફરમાવે છે. કૂતરું કરડી જવાની બીકે કેટલાક નાગરિકો બીજો રસ્તો શોધવાનો વિકલ્પ લે છે. સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ હોવા છતાં તંત્રને કૂતરાંઓના પ્રવેશ માટે કોઈ તકલીફ નથી.

કમસે કમ અહીં તો વાહન પાર્ક ન કરો
શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન થઇ ગઇ છે. લોકો આડેધડ વાહન પાર્ક કરે છે, જેના કારણે પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. લોકોમાં વાહન પાર્ક કરવાની સહેજ પણ સેન્સ નથી ગમે ત્યાં પોતાનાં વાહનો પાર્ક કરી દેતાં હોય છે, જેના કારણે અન્ય લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મેટ્રો કોર્ટમાં આડેધડ પાર્ક કરેલાં વાહનોના કારણે દિવ્યાંગ લોકોને પણ હેરાન થવું પડે છે. મેટ્રો કોર્ટમાં જવા દિવ્યાંગો માટે રેમ્પ પણ બનાવ્યો છે અને વ્હીલચેર પણ મૂકી છે. જોકે આ રસ્તો દિવ્યાંગો માટે કોઇ કામનો નથી કારણ કે અહીં કેટલાક લોકો પોતાનાં વાહનો પાર્ક કરે છે. કોર્ટમાં આવતા લોકોને એટલી પણ સેન્સ નથી કે અહીં વાહનો પાર્ક ના જ થાય…

સાત ટ્રાફિક પોલીસકર્મી છતાં ટ્રાફિક મેનેજ નથી થતો!
તાજેતરમાં નવા ભરતી થયેલા એલઆરડી જવાનોમાંથી ૧૦૦૦ એલઆરડીઓને ટ્રાફિક વિભાગમાં મૂકવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસના માળખામાં વધારો કરાયો છતાં સમસ્યા ઠેરની ઠેર છે. ચાંદખેડા સર્કલ પર સાત પોલીસકર્મીઓની હાજરી હોવા છતાં ટ્રાફિક મેનેજ થઇ શકતો નથી. ચાંદખેડા સર્કલ પર ત્રણ લેડી કોન્સ્ટેબલ, બે ટીઆરબી જવાન, એક પીએસઆઇ અને એક આરડી જવાન હાજર હોવા છતાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરાવી શકતા નથી. ટ્રાફિક સિગ્નલ ચાલુ હોવા છતાં તેમના દ્વારા ટ્રાફિક સિગ્નલ મુજબ ટ્રાફિકના નિયમોનું સંચાલન ન કરાવાતું હોવાના કારણે પણ ટ્રાફિક થાય છે. મહત્ત્વની વાત તો એ છે કે ત્યાં ક્યારેય મેમો બનાવવામાં આવતા નથી, જેથી વાહનચાલકો બેફામ રીતે ટ્રાફિક નિયમ તોડે છે.


પાલડીમાં સતત ચાલુ-બંધ થતી સ્ટ્રીટ લાઈટ
શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદો અવારનવાર ઉઠે છે પરંતુ પાલડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ રાતના સમયે ચાલુ બંધ થઈ રહી છે. આ સ્ટ્રીટ લાઈટ છેલ્લા બે દિવસથી ડિસ્કો કરે છે. સ્થાનિકોએ આ અંગે કોર્પોરેશનમાં જાણ કરી છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નિદ્રામાંથી હજુ બહાર આવ્યું નથી. આ તો હજુ વરસાદની શરૂઆત છે. આગામી દિવસોમાં ઘણા બધા વિસ્તારમાં ડિસ્કો લાઈટ જોવા મળે તો નહીં.

You might also like