POK પાછું લેવું હોય તો ભારતને કોઈ રોકી શકે તેમ નથીઃ BJP મંત્રી

કેન્દ્રીય મંત્રી હંસરાજ આહિરે ગુરુવારે કહ્યું હતું કે, ભારત જો ઈચ્છે તો પાકિસ્તાન પાસેથી પીઓકે લઈ શકે છે અને તેને કોઈ રોકી શકતું નથી. તેમણે ભાર આપતાં કહ્યું હતું કે, ‘પીઓકે એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતનો ભાગ છે.’

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આહિરે કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર ગત સરકારની ભૂલના કારણે પાકિસ્તાન હસ્તક થઈ ગયું છે. હંસરાજ આહિરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘હું કહું છું કે પીઓકે ભારતનો ભાગ છે અને તે ગઈ સરકારોની ભૂલના કારણે પાકિસ્તાનનો ભાગ બની ગયું છે. જો અમે પીઓકે પાછું લેવા માગીએ તો અમને કોઈ રોકી શકે તેમ નથી, કારણ કે તે અમારો અધિકાર છે.’

વધુમાં તેમણે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાન પાસેથી આ પીઓકે કાશ્મીર લેવાનો પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ નેશનલ કોન્ફ્રેંસના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે, ‘પાકિસ્તાન ભારતને જમ્મુ કાશ્મીરનો તે ભાગ ક્યારેય નહીં આપે જે પાકિસ્તાનના કબજામાં છે.’

જો કે કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ્લાના આ નિવેદનના કારણે નવો વિવાદ ઉભો થયો છે, અને લોકો પીઓકે કોનો ભાગ છે તેના પર ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો ફારુકની ટીકા કરી રહ્યા છે.

You might also like