NIT વિવાદઃ દિલ્હીથી તિરંગો લઈને શ્રીનગર રવાના થશે ૧૫૦ યુવાનો

શ્રીનગર: શ્રીનગર એનઆઈટીમાં થયેલા વિવાદના વિરોધમાં દિલ્હીથી લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓ તિરંગો લઈને શ્રીનગર જવા રવાના થશે. આ વિવાદમાં જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ નિર્મલસિંહ સાથે વિદ્યાર્થીઓની લગભગ છ કલાકની મેરેથોન મુલાકાત થઈ. આ દરમિયાન સિંહે વિદ્યાર્થીઓને સુરક્ષાનો ભરોસો અપાવતાં કહ્યું કે દોષિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હીથી આજે શ્રીનગર એનઆઈટી માટે ૧૨ રાજ્યના ૧૫૦ યુવાનો કૂચ કરશે. લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓ બાઈક અને કાર થકી તિરંગો લઈને શ્રીનગર રવાના થશે. શ્રીનગર રવાના થતાં પહેલાં તેઓ રાજધાનીમાં જાગૃતિ ફેલાવવા રેલી પણ કાઢશે.

પરિસ્થિતિ થાળે પડવાનાં એંધાણ
સિંહે જણાવ્યું કે આ કેસની મેજિસ્ટ્રેટના સ્તરે તપાસ ચાલી રહી છે. નિર્મલસિંહે સોમવાર સુધી પરિસ્થિતિ શાંત થવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાની સુરક્ષાનો મામલો ઉઠાવ્યો છે અને અમે તેમને સંપૂર્ણ સુરક્ષા આપવાની ખાતરી પણ આપી છે.

સીએમના મૌન પર સવાલો
એનઆઈટી વિવાદમાં સીએમ મહેબૂબા મુફ્તીની ચુપકીદી પર ઓમર અબ્દુલ્લાએ સવાલ ઉઠાવ્યા છે. ઓમરે કહ્યું કે મૌન હંમેશાં સારું હોતું નથી. મુફ્તીએ આ ઘટનામાં પોતાનું નિવેદન આપવું જોઈએ.

You might also like