PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા લઇને ફરાર છે અને પરત આપવા તૈયાર નથી, પરંતુ હવે તે બે વિદેશી બેન્કો પાસેથી લેવામાં આવેલી લોન ચૂકવવા તૈયાર છે.

અમેરિકાની એચએસબીસી બેન્ક અને ઇઝરાયલ ડિસ્કાઉન્ટ બેન્કે નીરવ મોદીની કંપનીઓ પાસેથી વસૂલાત કરી લીધી છે. બંનેે બેન્કોને ન્યૂયોર્કથી કોર્ટ દ્વારા બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે આદેશ મળ્યો હતો અને આ આદેશ મુજબ તેમણે વસૂલાત કરી લીધી છે.

આમ, એક બાજુ ભારતની પંજાબ નેશનલ બેન્ક હજુ નીરવ મોદી પાસેથી વસૂલાત કરવામાં નિષ્ફળ રહી છે તો બીજી બાજુ વિદેશી બેન્કોને વસૂલાત કરવામાં સફળતા મળી છે. ન્યૂયોર્કની આઇબીબી બેન્કે નીરવ મોદીની ત્રણ કંપનીઓને રૂ.૧.ર૦ કરોડ ડોલરની લોન ર૦૧૩માં આપી હતી.

જ્યારે એચએસબીસીએ ર૦૦૮માં રૂ.૧.૬૦ કરોડ ડોલરની લોન આપી હતી. આ લોન નીરવ મોદીની કુલ સંપત્તિથી ઘણી ઓછી છે અને આ દૃષ્ટિએ યુએસ ટ્રસ્ટીએ બેન્કો અને કોર્ટની ખાતરી આપી છે કે તેની વસૂલાત થઇ જશે.

જોકે હજુ સુધી એ વાત સ્પષ્ટ થઇ નથી કે જે સંપત્તિની વાત વિદેશી બેન્કો સમક્ષ કરવામાં આવી છે તેમાં ભારતીય એજન્સીઓને જપ્ત કરેલ સંપત્તિનો સમાવેશ થાય છે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે નીરવ મોદી પર રૂ.૧૩,૦૦૦ કરોડનું પીએનજી કૌભાંડ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નીરવ મોદીની સાથે તેના મામા મેહુલ ચોકસી પણ આ કૌભાંડમાં સંડોવાયા હોવાનો આરોપ છે. આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ બંને હાલ ફરાર છે.

You might also like