ISISનો ખાતમો બોલાવવા માટે અમેરિકાનો પ્લાન તૈયાર

વોશિંગ્ટન: અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે ખોફનાક આતંકી સંગઠન આઈએસઆઈએસને પછાડવાનો એક પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનમાં આતંકી સંગઠનને હરાવવાની વ્યૂહરચનાનો વિસ્તૃત ઉલ્લેખ કરાયો છે. નિષ્ણાતોના મત અનુસાર આ પ્લાન હેઠળ અમેરિકા વધુ લશ્કરી દળોને સિરિયા મોકલી શકે છે. આ પ્લાનમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ISISની વધતી જતી અસર અને પહોંચ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી શોન સ્પાઈસરના જણાવ્યા અનુસાર સંરક્ષણ પ્રધાન મેટિસે આઈએસઆઈએસને હરાવવા માટેનો એક પ્લાન રજૂ કર્યો છે. અમે હવે તેના પર ફીડબેક મેળવીશું. આ પ્લાન બતાવે છે કે અમે ક્યાંથી આગળ વધ્યા છીએ અને હવે કઈ રીતે આગળ વધવાનું છે. અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી કેપ્ટન જેક ડેવિસના જણાવ્યા અનુસાર પ્લાન ટ્રાન્સ રિજિયોનલ એપ્રોચ પર આધારિત છે.

આ પ્લાન માત્ર સિરિયા અને ઈરાક પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર દેશમાં આઈએસઆઈએસ અને અલ-કાયદા જેવાં આતંકી સંગઠનોના ખાતમા માટે તૈયાર કરવામાં આવ્યો છે. ડેવિસે એવું પણ જણાવ્યું હતું કે આ માત્ર એક લશ્કરી પ્લાન નથી, તેમાં દેશની તાકાત સાથે સંકળાયેલા તમામ પરિબળો જેવા કે રાજદ્વારી, નાણાકીય, સાયબર, ઈન્ટેલિજન્સ અને પબ્લિક ડિપ્લોમસી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like