INDvsENG: બીજા દિવસના અંતે ભારતને મળી 292 રનની લીડ, હાર્દિક પંડયાએ ઝડપી 5 વિકેટ

ઇંગ્લેન્ડ અને ટીમ ઇન્ડીયા વચ્ચે નોટિંધમના ટ્રેન્ટબ્રિજમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતની ટીમે પકડ મજબૂત બનાવી લીધી છે.

બીજા દિવસના અંતે ભારતે બીજી ઇનિંગ્સમાં બે વિકેટના નુકસાન પર 124 રન બનાવી લીધા છે. ચેતેશ્વર પુજારા 33 અને વિરાટ કોહલી 8 રને રમતમાં છે. આ સાથે ભારતે બીજી ઇનિંગ્સની મદદથી 292 રનની લીડ મેળવી લીધી છે. બીજી ઇનિંગ્સમાં ભારતની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત કરી હતી.

પરંતુ રાહુલ 36 રન બનાવી આઉટ થઇ ગયો હતો. પ્રથમ વિકેટની ભાગીદારીમાં 60 રન જોડયા હતા. શિખર ધવને 44 રન બનાવ્યા હતા. ધવન અને પુજારાએ બીજી વિકેટની ભાગીદારીમાં 51 રન જોડયા હતા. આ અગાઉ ભારતની પ્રથમ ઇનિંગ્સ 329 રનમાં સમેટાઇ ગઇ હતી.

જેના જવાબમાં ઇંગ્લેન્ડ પ્રથમ ઇનિંગ્સ 161 રન બનાવી ઓલઆઉટ થઇ ગયું હતું. પ્રથમ ઇનિંગ્સના આધારે ભારતને 168 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી. ભારત તરફથી હાર્દિક પંડયાએ શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડયાએ 5 વિકેટ ઝડપી હતી.

ભારતના ઋષભ પંતે પોતાની ડેબ્યુ ટેસ્ટમાં વિકેટ પાછળ સારુ વિકેટકિપીંગ કર્યું. પંતે તેની પહેલી ટેસ્ટ મેચમાં પાંચ કેચ ઝડપ્યાં. ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે અડધો કલાક મેચ મોડી શરૂ કરવામાં આવી હતી.

You might also like