વડોદરાઃ નવરચના સ્કૂલની મનમાની, વિદ્યાર્થીઓને પ્રવેશથી રાખ્યા વંચિત

વડોદરાઃ શહેરની નવરચના સ્કૂલ સંચાલકોની ફરી એક વાર મનમાની સામે આવી છે. નવરચના સ્કુલનાં વાલીએ છેલ્લાં એક વર્ષથી બાળકોની ફી ન ભરતાં સ્કુલ સંચાલકોએ બાળકોને છેલ્લાં પાંચ માસથી શિક્ષણથી વંચિત રાખીને સ્કુલમાં પ્રવેશ ન આપવાનો મામલો સામે આવ્યો છે.

નવરચના સ્કુલનાં સંચાલકોએ ત્રણ બાળકોને ફી ન ભરવા મામલે સ્કુલ બહાર જ બેસાડી રાખતાં વાલીઓએ હંગામો કર્યો હતો. રિતેશ મહંત નામનાં વાલીનાં ત્રણ બાળકો નવરચના સ્કુલમાં અભ્યાસ કરે છે. જેમને છેલ્લાં એક વર્ષથી બાળકોની કુલ 2.48 લાખની ફી ન ભરતાં સ્કુલ સંચાલકોએ બાળકોને ભણાવવાની ના પાડી દીધી છે.

તેમજ સ્કુલમાં બાળકોને છેલ્લાં પાંચ માસથી શિક્ષણથી વંચિત રાખ્યાં છે. જેને લઈ વાલીએ આજે સ્કુલ પર પહોંચી 181 અભયમને બોલાવી હોબાળો કર્યો હતો. જેનાં કારણે પોલીસ સ્કુલ પર દોડી આવી હતી. સ્કુલ સંચાલકોએ અભયમની ટીમને એક કલાક સ્કુલ બહાર ઉભા રાખતા પણ વિવાદ સર્જાયો હતો.

નવરચના સ્કુલે બાળકોને શિક્ષણથી વંચિત રાખતાં વાલીએ ડીઈઓને ફરિયાદ કરી હતી. જેનાં પગલે શૈક્ષણિક અધિકારી સ્થળ પર દોડી આવ્યાં હતાં. શૈક્ષણિક અધિકારીએ કહ્યું કે, વાલીએ સ્કુલ ફી નથી ભરી તેમજ તેમને ફી માટે આપેલ ચેક પણ બાઉન્સ થયો છે. જેનાં કારણે સ્કૂલે આ નિર્ણય લીધો છે.

મહત્વની બાબત છે કે વાલી અને શાળા સંચાલકોનાં વિવાદને કારણે ત્રણ બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે ત્યારે વાલીએ તાત્કાલીક ફી ભરીને પોતાનાં બાળકોનું ભવિષ્ય ન બગડે તે પગલાં લેવાની જરૂર છે તો સ્કુલે પણ બાળકોને ફરીથી સ્કુલમાં એડમીશન આપી પોતાની નૈતિક જવાબદારી બજાવવી જોઈએ.

You might also like