VIDEO: ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન પદેથી નરેશ પટેલનું રાજીનામું, પાટીદાર સમાજમાં ખળભળાટ

ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. અંગત કારણોસર નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. નરેશ પટેલ નિવૃતિનાં માર્ગ તરફ જઇ રહ્યાં છે. નરેશ પટેલનાં રાજીનામાંને લઇને પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ઘણો મોટો ખળભળાટ મચી ગયો છે. ટ્રસ્ટનાં આંતરિક રાજકારણથી નરેશ પટેલ વ્યથિત થયા હોય એવું લાગે છે.

એવું પણ મનાઇ રહ્યું છે કે,”એક વ્યક્તિનાં વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને રાજીનામું આપી દીધું છે. અન્ય હોદ્દા પરથી પણ નરેશ પટેલે રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું એક મોટું સંગઠન છે.

ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન પદેથી નરેશ પટેલનાં રાજીનામાને લઇને અનેક તર્ક વિતર્કો થઇ રહ્યાં છે. નરેશ પટેલનાં રાજીનામાંથી ટ્રસ્ટીઓમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. જો કે પટેલ સમાજનાં આગેવાનો દ્વારા નરેશ પટેલને અથાગ રીતે સમજાવવાનાં પ્રયાસો થઇ રહ્યાં છે.”

નરેશ પટેલનાં રાજીનામા અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં પટેલ સમાજમાં ભારે હોબાળો મચી ગયો હતો. મહત્વનું છે કે છેલ્લાં બે દાયકાથી નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટનો વહીવટ સંભાળી રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ખોડલધામ એ સૌનાં માટે પ્રેરણાસ્ત્રોત છે. ખોડલધામ એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે. ખોડલધામ એ સમગ્ર લેઉવા પટેલ સમાજને આકર્ષનાર એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. ભારતમાં આવેલ સૌથી વધુ વ્યાપક તેમજ વિશાળ વિસ્તાર ધરાવતા હિંદુ મંદિરોમાં તેનો વિશેષ રીતે સમાવેશ થાય છે.

ખોડલધામ એ સ્થાપત્ય કલા તેમજ સંસ્કૃતિને લગતું એક ઉત્તમ ઉદાહરણ છે. જેમાં ભગવાન શંકર, શ્રી રામ, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાન અને શ્રી ગણેશજીની મૂર્તિઓ પણ પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. આ રીતે ખોડલધામ એ પોતાની રીતે એક આગવી વિશેષતા ધરાવે છે.

You might also like