નારણપુરા-શાહીબાગ અને રામોલ સર્કલ ખાતે તંત્ર ત્રાટક્યું

અમદાવાદ: શહેરભરના રસ્તા પરનાં દબાણ હટાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ હેઠળ આજે શાહીબાગ, અસારવા, નારણપુરા તેમજ રામોલ સર્કલ વગેરે વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું હતું. આ તમામ વિસ્તારોના રોડ પરના ગેરકાયદે શેડ, ઓટલા, ક્રોસ વોલ, લારી-ગલ્લા સહિતનાં દબાણને દૂર કરાઇ રહ્યાં છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના સીધા આદેશ હેઠળ છેલ્લા ૮ દિવસથી સમગ્ર અમદાવાદમાં રોડ પરનાં દબાણો દૂર કરવાનું ઓપરેશન ડિમોલિશન તંત્ર દ્વારા હાથ ધરાયું છે. તંત્રના ઓપરેશન ડિમોલિશનને લોકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળી રહ્યો છે. ઉત્તર ઝોનના એકાદ-બે અપવાદ સિવાય હજુ સુધી ક્યાંય ખાસ વિરોધ દબાણકર્તાઓ દ્વારા થતો નથી.

દરમ્યાન આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે શાહીબાગ, અસારવા વોર્ડમાં આવેલા વિઠ્ઠલનગર ચાર રસ્તાથી એફએસએલ ચાર રસ્તા અને ત્યાંથી રામેશ્વર ચાર રસ્તા સુધીના આશરે ચાર કિ.મી. લાંબા રોડ પરનાં દબાણને હટાવવાની કામગીરી સવારથી હાથ ધરી છે.

જયારે પશ્ચિમ ઝોનમાં સત્તાવાળાઓ નારણપુરા એઇસી વિસ્તારમાં ત્રાટક્યા છે. પૂર્વ ઝોનમાં સરદાર પટેલ રિંગરોડ પરના દાસ્તાન ફાર્મથી રામોલ સર્કલ સુધીના આશરે ૭ કિ.મી. લાંબા રસ્તા પરનાં દબાણ ખસેડવાની કામગીરી આરંભી છે.

જ્યારે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ દ્વારા આજે પણ સરખેજ ચોકડીથી શાંતિપુરા સર્કલ સુધી રોડ પરનાં દબાણને જેસીબી મશીનની સહાયથી હટાવવાની કામગીરી આગળ ધપાવાઇ છે.

You might also like