મારી આત્મકથા મારી જેમ જ બોલ્ડ હશેઃ પ્રિયંકા ચોપરા

તાજેતરમાં ઇન્ડિયા ૧૦૦ લિસ્ટમાં સૌથી સેક્સી ભારતીય સુંદરી તરીકે પસંદ થનારી પ્રિયંકા ચોપરા હવે પોતાની આત્મકથા લખી રહી છે, જેનું નામ હશે ‘અનફિનિશ્ડ’. જે ભારત, અમેરિકા અને બ્રિટનમાં એકસાથે પ્રકાશિત થશે. પોતાની આત્મકથામાં પ્રિયંકા એ તમામ વાતો અને અનુભવ લખવા માટે તૈયાર છે, જે અત્યાર સુધી પોતાના જીવનની શાનદાર સફરમાં યાદગાર રહ્યા છે.


પ્રિયંકાના જણાવ્યા અનુસાર તેની આત્મકથા ઇમાનદાર, હાસ્યથી ભરપૂર, ઉત્સાહથી ભરેલી અને તેની જેમ જ બોલ્ડ તેમજ વિદ્રોહી હશે. ૧૭ વર્ષની ઉંમરમાં ‘મિસ ઇન્ડિયા’ અને ત્યારબાદ ‘મિસ વર્લ્ડ’નો તાજ પહેરનાર પ્રિયંકાએ બોલિવૂડ તરફ પ્રયાણ કર્યું. તે કહે છે કે હું પહેલાંથી જ મારી ભાવનાઓને લઇ ખામોશ રહી છું. મેં ક્યારેય એ ભાવના પર વાત કરી નથી, જેનો સામનો મેં અત્યાર સુધી મારી જીવનયાત્રા દરમિયાન કર્યો છે, પરંતુ હવે હું એવું કરવા જઇ રહી છું.

પ્રિયંકાનું પાલનપોષણ એક નીડર છોકરીની જેમ થયું અને જ્યારે વિચારોની વાત આવે છે ત્યારે તે પોતાની કહાણીને એવા અંદાજમાં બતાવવા ઇચ્છે છે, જે લોકોને અને ખાસ કરીને મહિલાઓને પ્રેરિત કરી શકે. તેણે કહ્યું કે મહિલાઓને હંમેશાં એવું કહેવાય છે કે આપણને બધું જ નથી મળી શકતું.


હું એ બધું કહેવા ઇચ્છું છું અને મને વિશ્વાસ છે કે બીજા પણ તે બધું મેળવી શકે છે. હું તેનું જીવતું-જાગતું ઉદાહરણ છું. છેલ્લે ‘જય ગંગાજલ’માં જોવા મળેલી પ્રિયંકાની બે વર્ષથી એક પણ ફિલ્મ રિલીઝ થઇ નથી. બે વર્ષથી તે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં બિઝી હતી, પરંતુ હવે તે ઇન્ડિયા પરત આવી ચૂકી છે. ખૂબ જ જલદી તે સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રિયંકા પાંચ અલગ અલગ લુકમાં જોવા મળશે. •

You might also like