AMCમાં ભાજપના ટોચના હોદ્દેદારોને ‘રિપિટ’ કરાય તેવી શકયતા નહીંવત્

અમદાવાદ: રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેક વર્ષ ર૦૦પથી ભાજપનું શાસન છે ગત ઓક્ટોબર ર૦૧પમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને સતત ત્રીજી વખત સત્તા મેળવવામાં સફળતા મળી હતી.

જો કે હાલના સત્તાધીશો માટે પ્રથમ વર્ષની ટર્મનો આ સમયગાળાે કૌભાંડોના લીધે પડકારભર્યો બન્યો છે. તેમાં પણ ગત ચોમાસામાં રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાતાં તંત્રની સાથેસાથે શાસક પક્ષની આબરૂના પણ લીરેલીરા ઊડતાં ટોચના છ હોદ્દેદારોને બીજી અને અંતિમ વર્ષની ટર્મ માટે ‘રિપિટ’ કરાય તેવી શકયતા નહીંવત્ છે.

હાલમાં મેયરપદે ગૌતમ શાહ છે, હવેની નવી ટર્મમાં મેયર પદ મહિલા સભ્ય માટે અનામત છે. જો કે ભાજપ હાઇકમાન્ડ અત્યારના ચર્ચાસ્પદ નામના બદલે આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદાર સહિતના જ્ઞાતિવાદ ફેકટર આધારિત નિર્ણય કરે તેવી પુરેપુરી શકયતા છે.

બીજી તરફ અત્યારની ટર્મમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા, પક્ષના દંડક અને એએમટીએસના ચેરમેન એમ ટોચના છ હોદ્દેદાર પૈકી કોઇની અન્ય હોદ્દા માટે પસંદગીની સંભાવના નહીંવત્ છે.

ગત ચોમાસાના રૂ.૪પ૦ કરોડના રોડનાં કૌભાંડ ઉપરાંત નગરી હોસ્પિટલમાં મોતિયાના ૧૬ દર્દીના અંધાપાકાંડ બાદ એક મહિનામાં એલજી હોસ્પિટલમાં પણ અંધાપાકાંડ, નિકોલ ડિમોલિશનમાં ચાર નિર્દોષ લોકોનાં મોત, લખુડી તળાવ આવાસ કૌભાંડ, વીએસ હોસ્પિટલ રસીદ કૌભાંડ, હલકી ગુણવત્તાના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનાં બાંધકામનું કૌભાંડ, નવા પશ્ચિમ ઝોનમાં નાણાં વિભાગના સ્ટાફનું નાણાકીય ઉચાપતનું કૌભાંડ, કમ્પ્યૂટરની ખરીદીનું કૌભાંડ, ડિસિલ્ટિંગ કૌભાંડ, ઇમ્પેક્ટ ફીનું કૌભાંડ સહિતના કાંડ અને કૌભાંડ પ્રકાશમાં આવ્યા હોઇ ભાજપ હાઇકમાન્ડ એકપણ ટોચના હોદ્દેદારને રિપિટ કરે તેમ લાગતું નથી.

પહેલાં કોઇ હોદ્દેદાર ડેપ્યુટી મેયર બન્યા બાદ પક્ષના નેતા પદે બિરાજમાન થયા છે તો મેયર થયા બાદ અન્ય કમિટીનું ચેરમેનપદ સંભાંળ્યું છે. પરંતુ નવા હોદ્દેદારોની આવી રીતે ‘મ્યુઝિકલ ચેર’ની રમત રમાય તેવી સંભાવના નજરે પડતી નથી. જેના કારણે આશ્ચર્યજનક નામની જાહેરાત કરાય તે પ્રકારની ચર્ચા ઊઠી છે.

You might also like