MS ધોનીએ બિહાર-ઝારખંડમાં સૌથી વધુ 12.17 કરોડનો ટેક્સ ભર્યો

રાંચીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટના મેદાનની બહાર પણ એક રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ સૌથી વધુ ટેક્સ ભરવાનો છે. ધોનીએ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં રૂ. ૧૨.૧૭ કરોડ ટેક્સ ભર્યો છે. ટેક્સની આ ચુકવણી બિહાર અને ઝારખંડ ક્ષેત્રમાં સૌથી વધુ છે.

આઇટી હેડક્વાર્ટર (બિહાર-ઝારખંડ)નાં જોઇન્ટ કમિશનર નિશા અરોને આ અંગેની જાણકારી આપી. તેમણે કહ્યું, ”ધોનીએ બિહાર-ઝારખંડ ક્ષેત્રમાં સૌથી વધુ ટેક્સ ભર્યો છે.” આ પહેલાં ૨૦૧૬-૧૭માં ૩૭ વર્ષીય ધોનીએ ૧૦.૯૩ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.

ધોની ૨૦૧૩-૧૪માં પણ આ ક્ષેત્રમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનારી વ્યક્તિ બન્યો હતો. ફોર્બ્સના અનુમાન પ્રમાણે વર્ષ ૨૦૧૫માં કેપ્ટન કૂલની નેટવર્થ ૧૧૧ મિલિયન ડોલર (લગભગ ૭૬૫ કરોડ રૂપિયા( હતી. એ વર્ષે ધોનીએ લગભગ ૨૧૭ કરોડની કમાણી કરી હતી, જેમાં ૨૪ કરોડ રૂપિયા જેટલી તેની સેલેરી અને બાકીનાં નાણાં જાહેરાતમાંથી આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ વખતે ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સે ફરીથી આઇપીએલ ટ્રોફી જીતી હતી. ધોની ક્રિકેટ રમવા ઉપરાંત અન્ય રમતો સાથે પણ જોડાયેલો છે. ઇન્ડિયન સુપર લીગમાં તેની ફૂટબોલ ટીમ પણ છે અને હોકી ઇન્ડિયા લીગમાં પણ તે રાંચી ટીમનો સહમાલિક છે.

આ સાથે જ તેણે ૨૦૧૭માં પોતાની કપડાંની બ્રાન્ડ ‘સેવન’ પણ શરૂ કરી છે. હવે ધોની રાંચીમાં એક ફાઇવ સ્ટાર હોટેલ બનાવવા માગે છે. આના માટે તેણે રાજ્ય સરકાર પાસે મંજૂરી પણ માગી છે.

You might also like