T-20માં MS ધોનીએ એકસાથે બે રેકોર્ડ કર્યાં પોતાના નામે

લંડનઃ ભારતીય ટીમના વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ઈંગ્લેન્ડ સામે ત્રીજા ટી-૨૦ મુકાબલામાં બ્રિસ્ટલમાં એક નહીં, બલકે બે રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધા છે.

ધોની પહેલાં ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં દુનિયાના કોઈ વિકેટકીપરે આવી સિદ્ધિ હાંસલ કરી નથી. ગઈ કાલે રમાયેલી મેચમાં વિકેટની પાછળ ફરી એક વાર ધોનીએ કમાલ કરી અને તેણે પોતાના વિકેટકીપિંગને એક નવા શિખર પર પહોંચાડી દીધું.

ટી-૨૦ ક્રિકેટના કોઈ પણ મુકાબલામાં અત્યાર સુધી દુનિયાનો કોઈ અન્ય વિકેટકીપર એક જ ઇનિંગ્સમાં પાંચ કેચ લેવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. આ કમાલ મહેન્દ્રસિંહ ધોનીએ કરી દેખાડી છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-૨૦ મેચમાં તેણે વિકેટની પાછળ પાંચ બેટ્સમેનોના કેચ ઝડપીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે.

આ મેચમાં ધોનીએ પાંચ કેચ ઝડપવા ઉપરાંત એક ખેલાડીને રનઆઉટ પણ કર્યો. ધોની આ અગાઉ બે વખત એક મેચમાં ચાર-ચાર કેચ ઝડપી ચૂક્યો છે.

આ ઉપરાંત ધોનીએ ટી-૨૦ ક્રિકેટમાં પોતાના ૫૦ શિકાર પણ પૂરા કર્યા છે. ઈંગ્લેન્ડ સામે ગઈ કાલે રમાયેલી ત્રીજી મેચમાં ધોનીએ પાંચ કેચ ઝડપીને પોતાના કેચની સંખ્યા ૫૪ સુધી પહોંચાડી દીધી છે. અત્યાર સુધીમાં ધોનીએ ૯૩ મેચમાં આ કમાલ કરી છે.

આ પહેલાં ધોનીએ ટી-૨૦ ફોર્મેટમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તેણે ટી-૨૦માં સૌથી વધુ ૩૩ ખેલાડીઓને સ્ટમ્પ આઉટ કર્યા છે. ભારત તરફથી તે પહેલો એવો વિકેટકીપર બની ગયો છે, જેણે ટી-૨૦ ક્રિકેટમાં ૫૦ કેચ પૂરા કર્યા હોય.

You might also like