Cool ધોની કેપ્ટનશીપ છોડ્યા બાદ ખેલાડીઓ પર વધુ ભડકી રહ્યો છે

નવી દિલ્હીઃ મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટ વિશ્વનો સૌથી શાંત અને ચતુર ખેલાડીઓમાંનો એક માનવામાં આવે છે. મુકાબલો ગમે તેટલો મુશ્કેલ હોય, ધોની થઈને જ તેનો ઉકેલ શોધવાની કોશિશ કરતો રહે છે. પછી એ બેટિંગ હોય કે વિકેટકીપિંગ, ધોની દરેક જગ્યાએ દિમાગથી કામ લે છે અને પરિણામ પોતાની તરફ ફેરવી નાખે છે, પરંતુ ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે જ્યારે બધું ધોનીના કન્ટ્રોલમાં નથી હોતું. જ્યારે જ્યારે મેદાન પર રણનીતિ ધોનીના હાથમાંથી સરકતી જાય છે, ધોનીનો પારો ઊંચે ચડી જાય છે અને અંતમાં શાંત ધોની પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી બેસે છે.

કેપ્ટનશિપ દરમિયાન ધોની અમ્પાયર કે પછી મેચ પૂરી થયા બાદ પત્રકારો સાથે ઝઘડતો ઘણી વાર જોવા મળ્યો હતો. ક્યારેય તેણે પોતાના ખેલાડીઓ પર પણ ગુસ્સો કાઢ્યો હતો, પરંતુ કેપ્ટનશિપ છોડ્યા બાદથી તેનો ગુસ્સો પોતાના જ ખેલાડીઓ પર વધુ નીકળવા માંડ્યો છે. ૨૦૧૭ બાદથી તેણે મેદાન પર ઘણી વાર પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી દીધો છે. ધોનીના ગુસ્સાનો છેલ્લો શિકાર ગત બુધવારે મનીષ પાંડે બન્યો હતો.

આ પહેલાં ધોનીના નિશાન પર સૌથી પહેલો આવ્યો હતો યુઝવેન્દ્ર ચહલ કે જેણે ટી-૨૦ ક્રિકેટમાં છ વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન ચહલની બોલિંગમાં જો રૂટ અને જેસન રોય રન લેવા ઇચ્છતા હતા, પરંતુ બંને વચ્ચે ગેરસમજ થઈ. બંને બેટ્સમેન એક જ છેડા પર ભેગા થઈ ગયા હતા.

થ્રો પણ ચહલના હાથમાં આવી ગયો, પરંતુ ચહલે બોલ ધોની તરફ ફેંકી દીધો, જ્યાં બેટ્સમેન સુરક્ષિત હતાે. જેસન રોય માંડ માંડ બચ્યો અને મેચમાં ૨૩ બોલમાં ૩૨ રનની ઇનિંગ્સ રમી, પરંતુ એ સમયે ધોની ચહલ પર ભયંકર ગુસ્સે થયો હતો. ત્યાર બાદ પણ ધોનીના નિશાન પર ચહલ જ આવ્યો હતો. જ્યારે ચહલનો બોલ ફ્લાઇટ નહોતો લઈ રહ્યો ત્યારે ધોનીએ બૂમ પાડીને કહ્યું હતું, ”ફ્લાઇટ ના કરાવી શકતો હોય તો કહી દે ભાઈ…”

ચહલ બાદ વારો હતો કેદાર જાધવનો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતની હાલત ખરાબ હતી. ચાર વિકેટ પડી ચૂકી હતી. એવામાં ધોની ઉપર ભારતીય ઇનિંગ્સને સંભાળવાની જવાબદારી હતી. તેનો સાથ આપી રહ્યો હતો કેદાર જાધવ. ૨૨મી ઓવરમાં કેદારે ધોનીને લગભગ રન આઉટ કરાવી જ દીધો હતો. અચાનક રન લેવાથી રોકી લેતા ધોનીએ મગજ ઉપરનો કાબૂ ગુમાવ્યો અને કેદાર ઉપર બરાબરનો ગુસ્સે થઈને બોલ્યો હતો, ”રન શા માટે લીધો નહીં? રન લેવા દોડવું નહોતું તો મને પહેલાં જ કહી દીધું હોત…”

પાછલા કેટલાક સમયથી ધોની વિકેટની પાછળ વધુ સક્રિય દેખાઈ રહ્યો છે. કોહલીના કેપ્ટન બન્યા બાદથી જ તેણે ફિલ્ડિંગની જવાબદારી પોતાના ઉપર લઈ લીધી છે. વિકેટની પાછળથી બોલર્સને સતત સૂચન અને સંદેશ આપતો રહે છે, પરંતુ જો કોઈ બોલર તેની વાત ના માને તો તેને પ્રેમથી બે શબ્દો પણ સંભળાવી દે છે. કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા હંમેશાં ધોનીના શિકાર બનતા રહ્યા છે. ધોનીએ વર્ષ ૨૦૧૭માં ઘણી વાર કુલદીપને ઠપકાર્યો છે, જોકે કુલદીપ પણ બોલિંગ દરમિયાન ધોની પાસેથી જ શીખી રહ્યો છે.

You might also like