Movie Preview : ‘સુરમા’ ધ ગ્રેટેસ્ટ કમબેક સ્ટોરી ઓફ ધ હોકી લેજન્ડ સંદીપસિંહ

સુરમાઃ ધ ગ્રેટેસ્ટ કમબેક સ્ટોરી ઓફ ધ હોકી લેજન્ડ સંદીપસિંહ નામ પરથી જ જાણવા મળે છે કે તે આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી સંદીપસિંહના જીવન પર બનેલી એક પ્રેરણાદાયી સ્ટોરી છે. પૂર્વ હોકી કેપ્ટન સંદીપસિંહના જીવનના દૃઢ સંકલ્પ, સખત મહેનત અને રમત પ્રત્યે તેના ઝનૂનની કહાણી છે.

શાહબાદ કુરુક્ષેત્ર, હરિયાણાના ગુરુચરણસિંહ ભિંડર અને દલજિતકૌર ભિંડરના ત્યાં સંદીપસિંહનો જન્મ થયો હતો. બાળપણમાં સંદીપ ખૂબ જ આળસુ હતો. તે પોતાના ભાઇ વિક્રમજિતસિંહની જેમ હોકી તો રમવા ઇચ્છતો હતો, પરંતુ કોચ તેને મારે તેના ડરથી મા પાસે ઘરે ભાગીને આવી જતો.

જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તે તેના ભાઇ વિક્રમજિતસિંહ (અંગદ બેદી)ની જેમ હોકી ખેલાડી બનવાનાં સપનાં જોવા લાગ્યો. મહિલા હોકી ખેલાડી હરપ્રીત (તાપસી પન્નુ) પણ એકેડેમીમાંથી હોકીની પ્રેક્ટિસ કરતી હતી. હરપ્રીતના કારણે જ સંદીપ (દિલજિત દોસાંજ)નો રસ હોકી તરફ વધવા લાગ્યો. હોકીના લીધે બંને પ્રેમમાં પડ્યાં અને લગ્ન પણ થઇ ગયાં.

સંદીપે ૨૦૦૪માં અજલાનશાહ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું. એ જ વર્ષે એશિયા કપ જીતવામાં પણ મદદ કરી. ૨૦૦૬માં દિલ્હીમાં લાગેલી રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવા માટે જ્યારે સંદીપસિંહ દિલ્હી-કાલકા શતાબ્દી એક્સપ્રેસથી જઇ રહ્યો હતો ત્યારે એક આરપીએફના જવાનની ભૂલથી ગોળી ચાલી અને સંદીપસિંહને વાગી. સંદીપસિંહના શરીરના નીચેના ભાગમાં લકવા થઇ ગયો.

જિંદગીમાં આટલી મોટી દુર્ઘટના બાદ પણ સંદીપસિંહે હાર ન માની. પોતાનાં પરિવારજનોના સાથ, હરિયાણા સરકારની મદદ અને પોતાના રમત પ્રત્યે ઝનૂનના કારણે તે ફરી વખત ૨૦૦૮માં મેદાનમાં પરત ફર્યો. એ જ વર્ષે સુલતાન અજલાનશાહ હોકી સ્પર્ધામાં ભારત તરફથી રમ્યો. ભારતને તેમાં બીજું સ્થાન મળ્યું. ૨૦૦૯માં સંદીપ ટીમનો કેપ્ટન પણ બન્યો. •

You might also like