Movie ‘મુલ્ક’: ફિલ્મની કહાણી ધર્મ પર આધારિત

અનુભવ સિંહા નિર્દેશિત ‘મુલ્ક’ ફિલ્મની કહાણી ધર્મ પર આધારિત છે. કહાણી એક એવા મુસ્લિમ પરિવારની છે, જે વર્ષોથી બનારસમાં રહે છે. તેમના ઘરની આસપાસ ઘણા હિંદીઓ રહે છે. વર્ષોથી તેઓ હળીમળીને એક પરિવારની જેમ રહેતા હોય છે.

સવારની ચાથી લઇને રાતના જશ્નમાં પકવાન ખાવા સુધી આ બધા મહોલ્લાવાળા તેમના સુખ-દુઃખના સાથી છે. મુરાદઅલી મોહંમદ (ઋષિ કપૂર)નો પરિવાર એટલો સેક્યુલર છે કે તેમના ઘરની મોટી વહુ (તાપસી પન્નુ) એક હિંદુ છે. તેને ઘરમાં પુત્રીનો દરજ્જો મળ્યો છે.

કહાણીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઋષિ કપૂરનો ભત્રીજો જેહાદના નામે ૧૬ લોકોને બોમ્બથી ઉડાવી દે છે. આ સમાચાર આખા દેશમાં સનસનીની જેમ ફેલાઇ જાય છે. શાહિદ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામે છે, પરંતુ શંકાની સોય સીધી તેમના પરિવાર ખાસ કરીને પિતા બિલાલ (મનોજ પહવા) પર આવે છે. કોર્ટમાં તેમને આતંકવાદી સાબિત કરવાની ઘણી દલીલો થાય છે.

બીજી તરફ મોટા ભાઇ (ઋષિ કપૂર)ના માથે પણ સમસ્યાઓ આવે છે. પરિવારની જેમ માનનારા તેના પાડોશીઓ તેના પર આતંક ફેલાવવાનો આક્ષેપ કરે છે. અલીનો પરિવાર ચારે બાજુથી ખરાબ આક્ષેપોનો સામનો કરે છે. આવા સંજોગોમાં તેમના માટે નિર્દોષતા સાબિત કરવી મુશ્કેલ બની જાય છે.

પરિવાર તરફથી હિંદુ વહુ (તાપસી પન્નુ) વકીલ બનીને પેરવી કરે છે. જેમ જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ સમાજના લોકોના મગજની સ્થિતિ સામે આવતી જાય છે. ઋષિ કપૂરે ભાઇને ન્યાય અપાવવાની લડાઇ લડી અને પરિવારમાં મોટા હોવાના નાતે કર્તવ્ય નિભાવ્યું. ફિલ્મમાં આશુતોષ રાણા, મનોજ પાહવા, રજત કપૂર, નીના ગુપ્તા અને પ્રતીક બબ્બર જેવા મજબૂત કલાકારો પણ છે. •

You might also like