Categories: Motivation

શુકન-અપશુકનથી જિંદગીની બાજી ના રમાય…

શુકન-અપશુકનમાં માનો?

એક યુવાન ઉદ્યોગપતિ ઉતાવળે મળી ગયા. ચહેરા પર સહેજ ઝાંખપ હતી. જૂના સંબંધને લીધે સ્વાભાવિક પૂછ્યું કે ‘નવું કારખાનું કર્યું છે ત્યારે આનંદમાં હોવાને બદલે આમ દુઃખી કેમ લાગો છો?’

કંઈક યાદ આવ્યું હોય તેમ તેમણે હાથ પકડીને બાજુમાં ખેંચી જતાં મને કહ્યું, ‘તમે શુકન-અપશુકનમાં માનો છો?’

મેં કહ્યું, ‘થયું છે શું એ કહો ને?’

એમણે જવાબ આપ્યોઃ ‘આઠેક મહિના પહેલાં કારખાનું શરૂ કર્યું. તમને તો ખબર છે, અમે કેટલા ઉત્સાહમાં અને આનંદમાં હતા! કારખાનું ચાલુ કર્યા પછી ચોથા દિવસે મશીનરીનો પાર્ટ તૂટી ગયો. પાર્ટ એવો અગત્યનો અને મોંઘો હતો કે તેના નુકસાનથી જરા આંચકો લાગ્યો. તમે નહીં માનો, પછી ફેક્ટરીનું કામ પાટા પર ચઢતું જ નથી. એ પાર્ટ તૂટ્યો ત્યારથી હું જોયા કરું છે કે કંઈ ને કંઈ વિઘ્ન આવ્યા જ કરે છે.’

આવી ચિંતા અને શંકા વ્યક્ત કરનારા એ પહેલા જ નહોતા. નિકટના મિત્રોમાંથી કેટલાકને આવી જ લાગણી એક વાર થયેલી, પણ પછી એનું કામ પાટા પર ચઢી ગયું એટલે આ અપશુકનની વાત એ ભૂલી ગયા. પહેલાં એમને પણ આવું જ લાગ્યું હતું. શરૂઆતમાં જેમને ધારણા બહારની મુશ્કેલીઓ પડે છે તેમને ખૂબ મૂંઝવણ થાય છે અને તેમનું મન આવા ખુલાસા શોધી કાઢે છે. બધી મુશ્કેલીઓ આવરી લે એવો આ ખુલાસો છેઃ ગ્રહની ગરબડ. એની સાથે બીજો ખુલાસો છે અપશુકનનો! મતલબ કે શરૂઆત જ ખોટે સમયે થઈ હતી અને તેથી મુશ્કેલીઓ આવવાની.

ગ્રહોની ગરબડ જેવું કંઈક હશે તેમ માનવાને તમારી પાસે વાજબી કારણ હશે. આવું કાંઈક કિસ્મત જેવું છે તેની ના ન પડાય. પણ આપણે જે કંઈ પુરુષાર્થ કરીએ, કંઈક નવું કામ ઉપાડીએ ત્યારે તેની શરૂઆતમાં કે આગળ ઉપર જે મુશ્કેલીઓ આપે તે ગ્રહની ગરબડને લીધે કે અપશુકનને લીધે જ છે તેમ માનવા કરતાં કંઈક શુભ સંકેત છે તેમ માનવું વધુ સારું છે.

અપશુકનની વાત જ પહેલાં સાંભળો. આપણે ત્યાં શુકન અને અપશુકન વિશે અનેક માન્યતાઓ છે, તેનું એક જૂનું હિન્દી પુસ્તક પણ વાંચ્યું. સંસ્કૃત શ્લોકો પણ હતા. આમાં શું સાચું હશે તેની ખબર નથી, પણ ઘણા વખત પહેલાં આ અંગે એક કસોટી કરવાનું મન થયું. દાખલા તરીકે આપણે ત્યાં બિલાડી આડી ઊતરે એટલે માણસ માને કે અપશુકન થયા. કંઈક વિધ્ન આવશે, આફત આવશે. વર્ષો પહેલાં બિલાડી આડી ઊતરે ત્યારે મારા મનમાં એક ફડક ઊભી થતી. એક વાર નક્કી કર્યું કે બિલાડી આડી ઊતરે ત્યારે એક ક્ષણ પણ થોભ્યા વિના નિર્ધારીત માર્ગે આગળ વધવું જોઈએ. જોઈએ શું થાય છે ? પછી તો આવો અખતરો પાંચેક વાર કર્યો. બિલાડી આડી ઊતરી હોવા છતાં કોઈ કામમાં આડુંઅવળું થયું નહીં! દરેક વખતે ઊલટી સારી રચના થઈ.

કેટલીક વાર એવું બને છે કે આવા અપશુકન થયા હોય અને આપણું મન ઉદ્વેગમાં હોય તો કાંઈક ને કાંઈક પ્રતિકૂળ બને ત્યારે આપણે તરત જ તેનો ખુલાસો અપશુકનમાં જોઈએ છીએ. અમારાં દાદી ગમે ત્યાંથી સરસ ગાય શોધીને અમારા તરફ દોડાવતાં પણ અમારા ઘણા સહાધ્યાયીઓ આ કે તે પરીક્ષામાં રખડી જ પડે. દહીં ખાઈને, પાન ખાઈને, શુકનના આવા ઘણા ટુચકા કરીને કેટલાંય કામો ઉપાડ્યાં છતાં ખાસ કંઈ ચમત્કારિક બન્યું હોય તેવું જણાયું નહીં.

અમદાવાદ મિલ ઉદ્યોગના પિતા સ્વ. રણછોડલાલે પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એમની મિલની મશીનરી દરિયામાં ડૂબી ગઈ ત્યારે અપશુકન માનીને મિલ ઊભી કરવાનું કામ પડતું જ મૂક્યું હોત તો? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલની ટેલિફોન કંપનીના શેરો કોઈ જ લેવા તૈયાર ન થયું ત્યારે તેને મોટાં અપશુકન ગણીને એ આગળ જ વધ્યો ના હોત તો? જવાહરલાલ નેહરુ અલાહાબાદની સ્થાનિક ચૂંટણીમાં હારી ગયા તેને પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆતના અપશુકન ગણ્યા હોત તો? રાજકારણી, ઉદ્યોગપતિ, વેપારી, વૈજ્ઞાનિક કે ખેડૂત બધાને પોતાના કામમાં અપશુકનો નડતા જ હોય છે, પણ તેને અપશુકન માનવાની જરૂર નથી.

રામકૃષ્ણ દાલમિયા જેવા પાકા માણસે ધંધાની શરૂઆતમાં ખૂબ પૈસા ખોયા જ હતા! તાત્પર્ય એટલું જ કે આપણે જેને ‘અપશુકન’ ગણીએ છીએ તે ખરેખર અપશુકન નથી. તેનાથી ઊલટું કહી શકાય કે શરૃઆતમાં ખૂબ મુશ્કેલી પડે તો પાછળથી સારું અને છેવટે ખૂબ સારું થશે. શરૃઆતમાં શુકન જેવું લાગે, એકદમ સરળતા લાગે તેમાં પણ પાછળથી તકલીફો આવવાનો પૂરો સંભવ રહેલો જ હોય છે! શરૃઆતમાં મુશ્કેલી પડે તો ખૂબ ઉમંગથી આગળ વધજો, પણ શરૃઆતમાં ખૂબ સહેલું સહેલું લાગે તો જરા વિચાર કરી થોભજો, સંભવ છે કે તમે લપસી રહ્યા હો ! આ હકીકત છે. કોઈ પણ કામની શરૃઆતમાં મુશ્કેલીઓ આવે ત્યારે તેને અપશુકન માનવાને બદલે શુકન માનીને, તેની પાછળ પડનારા છેવટે સફળ થયા વગર રહેતા નથી અને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે છે.

શરૂઆત સારી હોય કે ખરાબ જે રસ્તો કાપવાનો છે, જે તબક્કાઓમાંથી પસાર થવાનું છે, તે બધા એમના એમ જ હોય છે. છતાં માણસ કામની શરૂઆતમાં માને કે કંઈક અપશુકન પોતાને થયા છે તો તેટલે અંશે તેને પોતાના કામ વિશે અશ્રદ્ધા ઉત્પન્ન થવાની, તેનો આત્મવિશ્વાસ ડગી જવાનો. બસ, તેની પોતાની ડગુમગુ મનોદશાને લીધે તેને પારાવાર નુકસાન થવાનો સંભવ ખરો ! જ્યારે તમે છેવટના સારા પરિણામમાં પાકી શ્રદ્ધા રાખતા ન હો, તમે જ્યારે સંકલ્પ વિકલ્પ કરતા હો ત્યારે તમે બરાબર નિર્ણય કરી શકતા નથી અને તમે ઉત્સાહ-ઉમંગથી કામ કરી શકતા નથી. પેલો અશ્રદ્ધાનો ઓળો તમારી આગળ ને આગળ એક પડદો બનીને હાજર રહ્યા જ કરે છે. પછી જે કંઈ ઊંધું ઊતરે તેનો દોષ આપણે પેલા અપશુકનને કે ખરાબ ગ્રહોને આપીએ છીએ.
————————–.

Maharshi Shukla

Recent Posts

અહીં મળશે બેસ્ટ ક્વોલિટીવાળા જેકેટ એ પણ માત્ર રૂ.180માં, આ છે દુનિયાનું સૌથી સસ્તું માર્કેટ

હવે સમગ્ર દેશભરમાં ઠંડીની ઋતુ એવી શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ધીમે-ધીમે સવાર-સાંજનાં તાપમાનમાં પણ ઘટાડો થવા લાગ્યો છે.…

17 hours ago

PM મોદીએ વારાણસીને અર્પણ કરી કરોડોની ભેટ, કહ્યું,”દેશે જે સપનું જોયું તે સાકાર થયું”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંસદીય ક્ષેત્રમાં 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ કર્યો.…

17 hours ago

આ છે એવાં શાનદાર કપલ ટેટૂ, જે બન્યાં છે એકબીજાનાં પ્રેમની નિશાની માટે

ન્યૂ દિલ્હીઃ "કપલ ટેટૂ" ખાસ તરીકે તેવાં લોકો માટે છે કે જે કાં તો કોઇ રિલેશનશિપમાં હોય અથવા તો પૂરી…

19 hours ago

અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે…

19 hours ago

રિવરફ્રન્ટનાં પૂર્વ છેડા પરનાં દધિચી બ્રિજની નીચે બનાવાશે ફૂડ કોર્ટ

અમદાવાદઃ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટને નયનરમ્ય બનાવાયા બાદ સહેલાઈઓ માટે એક પછી એક નવી સુવિધાઓ ઉભી…

19 hours ago

રૂ.1.50 લાખમાં મકાન વેચાણ નહીં આપતાં પાડોશીએ આધેડનું ઢીમ ઢાળ્યું

વડોદરાઃ આજવા રોડ પર આવેલ એકતાનગરમાં મકાન વેચાણમાં લેવાના મામલે એક આધેડને પાઇપના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર…

20 hours ago