શહેરમાં અોપરેશન ‘વ્યાજખોર’, વેપારીના આપઘાત બાદ પોલીસ જાગી

અમદાવાદ, શુક્વાર
દારૂ-જુગારના અડ્ડા પર મેગા સર્ચ ઓપરેશન કરીને ગુનેગારોમાં ખોફ પેદા કરનાર પોલીસે હવે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તેમજ પઠાણી ઉઘરાણી કરીને લોકોને મરવા માટે મજબૂર કરનાર વ્યાજખોર સામે લાલ આંખ કરતાં ઓપરેશન વ્યાજખોર શરૂ કર્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પ૦ કરતાં વધુ વ્યાજખોર વિરુદ્ધમાં કાયકીય તખ્તો ઘડાય તે માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવતાં ર૧ પોલીસ સ્ટેશનમાં લોકોએ વ્યાજખોરો વિરુદ્ધમાં પ૦ કરતાં વધુ અરજીઓ કરી છે, જેમાં પોલીસે તપાસ શરૂ કરીને ફરિયાદ દાખલ કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ત્રણ ફરિયાદ વ્યાજખોરો સામે પોલીસે કરી છે ત્યારે હવે આવનારા દિવસોમાં પણ વધુમાં વધુ ફરિયાદ વ્યાજખોરો વિરુદ્ધમાં થશે.

ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઇમર્જન્સી સમયે વ્યાજખોરો પાસે ઊંચા દરના વ્યાજ પર રૂપિયા લેતા હોય છે, જેનો ફાયદો ઉઠાવીને વ્યાજખોર લોકો પાસે મૂડી કરતાં વધુ વ્યાજ વસૂલ કરે છે. વ્યાજખોરો પ ટકાથી લઇ ૪પ ટકા સુધીનું વ્યાજ લોકો પાસેથી લેતા હોય છે. સમયસર વ્યાજ નહીં મળતાં વ્યાજખોર વ્યાજની રકમ પર ૧૦ ટકા પેનલ્ટી પણ એક દિવસની વસૂલ કરે છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી લોકો મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી દેતા હોય છે તેમ છતાંય તેમની ઉઘરાણી ચાલુ જ રહે છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો બહાર નીકળવા માટે મોતનો રસ્તો અપનાવી લેતા હોય છે અથવા તો તેમની મિલકત વ્યાજખોરોના નામે કરી દેતા હોય છે.

વ્યાજખોરોના ત્રાસથી બચાવવા માટે પોલીસે ઓપરેશન વ્યાજખોર શરૂ કર્યું છે, જે અતર્ગત છેલ્લા એક અઠવા‌િડયામાં વ્યાજખોરો વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઇ છે. કુબેરનગરમાં રહેતા પ્રદીપને માતાની સારવાર કરાવવાની હોવાથી તેણે વ્યાજ-વટાઉનો ધંધો કરતા ભરત કિશ્નાની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા.

ભરત એક લાખ રૂપિયાનું ર૦ ટકા લેખે એટલે કે દર મહિને ર૦ હજાર રૂપિયા વ્યાજ પ્રદીપ પાસેથી વસૂલતો હતો. પ્રદીપે ભરતને એક લાખ રૂપિયાના બદલામાં પાંચ લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હતું અને વધુ ત્રણ લાખ રૂપિયાની ઉઘરાણી કરતો હતો. પ્રદીપે રૂપિયા નહીં આપતાં ભરતે તેના પર હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વસ્ત્રાલમાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા હસમુખભાઇ પટેલે વ્યાજખોર હરદીપના ત્રાસથી કંટાળીને કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. હસમુખભાઇએ હરદીપ પાસેથી ૧૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, જેના બદલામાં હરદીપ પ૦ હજાર રૂપિયા માગતો હતો. હસમુખભાઇએ રૂપિયા ન આપતાં હરદીપ તેને મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

ઇસનપુરમાં રહેતા ક‌િપલ અગ્રવાલે મકાનનું સમારકામ કરાવવા માટે નરોડાના પિતા-પુત્ર પાસેથી ૧૭ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. કપિલ અગ્રવાલ દર મહિને ૬૦ હજાર રૂપિયા વ્યાજ ચૂકવાતા હતા, જોકે સમયસર રૂપિયા ન આપતાં કપિલ અગ્રવાલનું મકાન પચાવી લીધું હતું. ‌િરલીફરોડ ઉપર રહેતા એક યુવકે ૬ વ્યાજખોર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. સોહિલ કુરેશીએ ધંધો કરવા માટે ઇમરાન વીજળીઘરવાળા પાસેથી બે લાખ રૂપિયા, નઇમ પાસેથી દોઢ લાખ, સા‌િજદ પાસેથી બે લાખ, ત્રણ લાખ સુબા ખાન પાસેથી, સૂ‌િફયાન પાસેથી એક લાખ રૂપિયા અને ફૈસલ પાસેથી ૬૦ હજાર રૂપિયા ઊંચા દરના વ્યાજ પર લીધા હતા. સમયસર વ્યાજ ન ચૂકવતાં અંતે તેણે ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

સેક્ટર-રના જોઇન્ટ પોલીસ ક‌િમશનર અશોક યાદવે જણાવ્યું છે કે ર૧ પોલીસ સ્ટેશનમાં પ૦ કરતાં વધુ વ્યાજખોરો સામે અરજી આવી છે, જેમાં અમે તમામ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાના છીએ. વ્યાજખોર વિરુદ્ધમાં કોઇ પણ લોકો ફરિયાદ લઇને પોલીસ સ્ટેશનમાં આવે તો તેમની સામે તાત્કા‌િલક પગલાં ભરવામાં આવશે અને વ્યાજખોરનો ખોફ લોકો પરથી હટી જાય તે માટે તેમનું જુલૂસ કાઢવામાં આવશે.

You might also like