SBIની નવી સ્કીમઃ FD તોડ્યા વિના ગમે ત્યારે પૈસા ઉપાડી શકાશે

મુંબઈ: અામ તો કોઈપણ વ્યકિત જ્યારે બેન્કમાં એફડી મૂકે છે ત્યારે એક શરત હોય છે કે તે વ્યકિત આવી એફડીની રકમ પાકતી મુદત પહેલાં ઉપાડી શકાતી નથી. જેથી જરૂરિયાત વખતે એફડી તોડાવવી પડે છે. ત્યારે હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ નવી સ્કીમ જાહેર કરી છે જેમાં ગ્રાહક તેની એફડી તોડયા વિના જ રકમ ઉપાડી શકશે, ઉપરાંત એફડી પર મળતું વ્યાજ પણ જમા થતું રહેશે.

આ માટે જે તે વ્યકિત એસબીઆઈમાં મલ્ટી ઓપ્શન ડિપોઝિટ(એમઓડી) નામની એફડી ખોલાવી શકશે. તેમાં જે તે ગ્રાહક ગમે ત્યારે ૧,૦૦૦ રૂપિયા અને તેના ગુણાંકમાં રકમ ઉપાડી શકશે. ખાસ વાત અે છે કે આવી રકમ ઉપાડવા માટે ગ્રાહકે બેન્કમાં જવાની જરૂર નહિ પડે. આવી રકમ એટીએમ દ્વારા ઉપાડી શકાશે. બીજું આવી ડિપોઝિટ સેવિંગ્સ અથવા કરંટ એકાઉન્ટ સાથે લિન્ક હોય છે. તેથી જે તે વ્યકિત એમઓડી દ્વારા પૈસા કાઢી શકશે. જોકે એફડીમાંથી રકમ ઉપાડવામાં આવી હશે તેમ છતાં આવી રકમ પર જે વ્યાજ મળતું હશે તે ચાલુ જ રહેશે.

વધુમાં આવી સ્કીમનો લાભ લેવા માટે જે તે ગ્રાહકે એમઓડી માટે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. બાદમાં તેમાથી ૧,૦૦૦ના ગુણાંકમાં રકમ જમા કરાવી શકશે. અને સામે રકમ પણ ઉપાડી શકશે. આ રીતે હવે એફડી તોડ્યા વિના પણ લોકોને એસબીઆઈની નવી સ્કીમમાં રકમ ઉપાડવાનો લાભ મળશે.

You might also like