પર્સનલ લોમાં ફેરફાર માટે મુસ્લિમ મહિલાઓનો મોદીને પત્ર

અલીગઢ : દેશભરની મુસ્લિમ મહિલાઓના હિતોનું રક્ષણ કરતા સંગઠન ભારતીય મુસ્લિમ મહિલા આંદોલને મુસ્લિમ પર્સનલ લોમાં સુધારાની જરૂરીયાત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓને પત્રો લખ્યા છે. આ સંગઠનના ૧૩ રાજયોમાં ૭૦,૦૦૦થી વધુ મેમ્બરો છે. મુસ્લિમ મહિલાઓને લીંગના આધાર પર થતા ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે.

સુપ્રિમ કોર્ટના જસ્ટિસ અનિલ દવે અને જસ્ટિસ આનંદકુમારની ખંડપીઠે પણ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબ દાખલ કરવા માટે જણાવ્યું છે કે, શું આ ભેદભાવને બંધારણની કલમ ૧૪, ૧પ અને ર૧ હેઠળ મળેલા મૌલિક અધિકારોના હનન તરીકે લેવાવો જોઇએ કે નહીં. આ સંગઠનના કોફાઉન્ડર જાકિયા સોમાનનું કહેવુ છે કે, જેન્ડર જસ્ટિસ અમારા બંધારણના પાયામાં છે.

પીએમને પત્ર લખી અમે મુસ્લિમ મહિલાઓની ચિંતાને ભારત સરકાર સમક્ષ રાખી છે. અમે મુસ્લિમ મહિલાઓની માંગણી અને તેઓની ઇચ્છાને ધ્યાનમાં રાખી એક મુસદ્દો પણ તૈયાર કર્યો છે. તેની જોગવાઇઓનો સ્વીકાર કરવાથી મુસ્લિમ મહિલાઓને ગરિમા સાથે જીંદગી જીવવામાં મદદ મળશે. મહિલાઓના બંધારણીય હક્ક ઉપર ભાર મુકવા માટે સંગઠને પીએમને એક ડ્રાફટ ડોકયુમેન્ટ પણ મોકલ્યો છે.

તેમનું કહેવું છે કે, બરાબરી અને ઇન્સાફ જેવા મામલા પર કોઇ ફેંસલો લેતા પહેલા અમને સાંભળવામાં આવે. ડ્રાફટમાં સંગઠને સૂચન કર્યું છે કે, એકથી વધુ લગ્ન કરવાને ગેરકાનૂની ગણવામાં આવે. સંગઠન મહિલાઓ માટે પ્રોપર્ટીમાં પણ સમાન હક્ક ઇચ્છે છે.

You might also like