Categories: India

મોદી સરકારનાં બે વર્ષ હવે વાતો નહીં, કામનો સમય

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર તેના કાર્યકાળનાં બે વર્ષ પૂરાં કરવા જઈ રહી છે ત્યારે સરકાર ખુદ તેની કામગીરીના પ્રચાર-પ્રસારની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી બાજુ વિવિધ વિષયો અને ક્ષેત્રોના નિષ્ણાતો પણ સરકારની કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. સરકારની કામગીરીના આકલન માટે બે વર્ષનો સમયગાળો સાવ નાનો અને નજીવો તો ન જ ગણાય અને એટલે જ આ વર્ષે સમીક્ષકો અને ટીકાકારો સરકારને બક્ષવાના કે તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવવાના મૂડમાં નથી. તેનું બીજું એક કારણ એ પણ છે કે હવે સરકારનાં કેટલાંક મંત્રાલયો અને તેને સંભાળતા પ્રધાનોની બિનકાર્યક્ષમતા તેમજ નબળાઈઓ પણ સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. અનેક મંત્રાલયોની કામગીરી અત્યંત નબળી છે. એથી સરકારે શ્રેષ્ઠ કામગીરી કરનારાં એકાદ-બે મંત્રાલયોના કામગીરી પર પ્રચાર માટે ફોકસ કરવાનું વિચાર્યું હોવાનું જણાય છે.

આ મંત્રાલયોમાં પીયૂષ ગોયલનું ઊર્જા મંત્રાલય અને નીતિન ગડકરીના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રાલયનો સમાવેશ થાય છે. આ બે વર્ષ દરમિયાન વડા પ્રધાને અનેક મહત્ત્વાકાંક્ષી વિરાટ પ્રોજેક્ટસની જાહેરાત અને વાજતેગાજતે તેના શુભારંભ પણ કર્યા છે. તેમાંની અનેક યોજનાઓને પૂર્ણ કરવાનાં વર્ષ પણ નક્કી કરાયાં છે, પરંતુ જે રીતે મંદ ગતિએ કામગીરી ચાલી કહી છે એ જોતાં સરકારના કાર્યકાળનાં બે વર્ષને નિમિત્તે વડા પ્રધાને તેના તરફ લક્ષ આપીને સ્પષ્ટ કર્યું છે કે આવી યોજનાઓને પૂર્ણ કરવાના સમયગાળામાં કોઈ વધારો કરવામાં નહીં આવે, કોઈ ‘એક્સટેન્સન’ અપાશે નહીં. મતલબ યોજનાઓ સમયસર પૂરી કરવાની છે અને એટલે મંત્રાલયોને માસિક ધોરણે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા તેમજ નીતિ આયોગ પાસેથી માર્ગદર્શન મેળવવા જણાવાયું છે. ૨૦૨૦ કે ૨૦૨૨ના વર્ષમાં પૂરી કરવાની યોજનાઓના પણ વાર્ષિક લક્ષ્યાંકો નિર્ધારિત કરીને આગળ વધવાનો દ્રષ્ટિકોણ જ સાર્થક બને તેવો છે.

નીચલા વર્ગના છેવાડાના લોકો, ગામડાઓ અને ગરીબો તેમજ ખેડૂતોના વિકાસ માટે સરકારની ચોક્કસ વિચારણા છે, યોજના છે. એ યોજનાઓથી આ વર્ગોને લાભાન્વિત કરવાના પ્રયાસ રૂપે સરકાર એક પ્રકારનું માળખું ખડું કરવા પ્રયાસરત હોય એવું જણાય છે. ગરીબો સહિતના લોકો બેંક ખાતાં ધરાવતા થાય એ ઝુંબેશ પાછળ આ જ દ્રષ્ટિકોણ છે. એક તરફ સંપન્ન લોકોને ગેસ સિલિન્ડરની સબસિડી છોડવાનું આહ્વાન અને બીજી બાજુ ગરીબોને આર્થિક સહાય દ્વારા ગેસની સુવિધા આપવાની યોજના શરૂ કરી દેવાઈ છે.

મહત્ત્વની વાત એ છે કે સરકારની અપીલના પ્રતિસાદમાં લાખો સંપન્ન લોકો સ્વેચ્છાએ સબસિડીનો ત્યાગ કરે એ દેશના નાગરિકો અને સરકાર વચ્ચેના એક વિશિષ્ટ સંબંધ અને વિશ્વાસનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે. મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ-અપ અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, ૨૦૨૨ સુધીમાં સૌને મકાન, તમામ ઘરોમાં વીજળી, સ્વચ્છતા અભિયાન જેવા પ્રોજેક્ટના ઉત્સાહી આરંભ સાથે તેના સાકાર થવા અંગે સંશય પણ એટલા જ પ્રમાણમાં પ્રવર્તે છે તો તેનું કારણ અત્યાર સુધી સરકારોએ કોઈ કામ કાર્યક્ષમ રીતે, પારદર્શી રીતે પૂરાં કર્યાં નથી એ છે.

સરકારના કોઈ પગલાંથી લોકોને પ્રત્યક્ષ કોઈ રાહત થઈ નથી. સરકાર પાસે તેના કામને અંજામ આપવા માટે હજુ ત્રણ વર્ષ છે એવું આશ્વાસન શાસક પક્ષ લઈ શકે. પણ આવું આશ્વાસન તેમને નિષ્ક્રિય, કામ પ્રત્યે ઉદાસીન બનાવે તો એ જોખમી બની રહેશે. આ બે વર્ષનો સમયગાળો સરકારનાં અનેક મંત્રાલયોએ તો હજુ તેની યોજનાઓને સમજવા અને કાગળ પર આકાર આપવામાં જ પસાર કરી નાખ્યો છે. વડા પ્રધાને શપથવિધિ પછીના તરતના દિવસોમાં જ ગંગા શુદ્ધીકરણની જાહેરાત કરી હતી. એ પછી તેને માટે બજેટની ફાળવણી પણ થવા લાગી.

છતાં બે વર્ષમાં આ બાબતમાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. આ કામનો હવાલો સંભાળતાં પ્રધાન સુશ્રી ઉમા ભારતી જે રીતે કામ કરી રહ્યાં છે એ જોતાં તો એવું લાગે છે કે ક્યાંથી કામની શરૂઆત કરવી તેની જ તેમને સમજ પડતી નથી. આવી યોજનામાં બે વર્ષ કાગળ પર લીટા દોરવામાં વીતી જાય એને મોટી કરુણતા ગણવી જોઈએ.

દેશનો મધ્યમવર્ગ અને દેશના ગરીબો જે મોંઘવારીથી પીડાઈ રહ્યા છે એ બાબતમાં નાણાપ્રધાન તદ્દન બેપરવા હોય એવું લોકો અનુભવે છે. ફુગાવાના દરમાં ઘટાડો થયો હોવાના આંકડા સાથે લોકોને કોઈ નિસબત હોતી નથી. બજારમાં ખરીદી કરતી વખતે લોકો જે ભાવ સાંભળે છે, એ તેમને ડરાવી મૂકે છે. કઠોળ અને દાળના ભાવો ભરસિઝનમાં પણ નીચે ઊતરવાને બદલે વધી જાય ત્યારે લોકો આવી જણસને તેની થાળીમાંથી બાદબાકી કરવા મજબૂર બને એવી સ્થિતિમાં લોકોને તેના કાર્યકારણ સાથે નિસબત નથી રહેતી.

વિદેશ નીતિના મોરચે સરકારની સફળતાની બહુ તારીફ થાય છે. એ ખોટી પણ નથી. વડા પ્રધાનના પ્રવાસો અને પ્રયાસોએ આ દિશામાં ઘણી સફળતા અપાવી છે. પણ વિદેશ નીતિના ક્ષેત્રે નક્કર સફળતા માટે જરૂરી એવી અનેક બાબતો પ્રત્યે હજુ સરકારનું ધ્યાન ગયું નથી. આગામી સમયમાં સરકાર એ દિશામાં સક્રિય બને એવી અપેક્ષા રહે છે. એક જ ઉદાહરણ પૂરતું છે.

વડા પ્રધાને ૧૩૦ દેશોના પ્રવાસ કર્યો, પરંતુ અનેક દેશોમાં ભારતના રાજદ્વારીઓની કમી વર્તાય છે. એ સ્થિતિમાં વડા પ્રધાનના પ્રયાસોનું ફોલોઅપ કેવી રીતે થાય? આપણે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્યપદ માટે દાવો કરીએ છીએ, પરંતુ આ સ્થાન માટેના અન્ય દાવેદાર દેશો કરતાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદ્વારીઓની ટીમ સાવ નાની છે. ભારત કરતાં બ્રાઝિલની ટીમ ત્રણ ગણી મોટી છે. આવાં કારણસર જ ભારતનો દાવો અસરકારક બનતો નથી.

તરુણ દત્તાણી

admin

Recent Posts

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

1 hour ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

1 hour ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

2 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

2 hours ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

2 hours ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

2 hours ago