સાઉદી અરબમાં રહેલા ભારતીયોને બાકી પગાર-વિઝા અપાવવા સરકાર પ્રયત્નશીલ

નવી દિલ્હી: સાઉદી અરબમાં કેટલીક કંપનીઓ બંધ થયા બાદ સાઉદી અરબની ભારતીય રાજદૂત કચેરી ત્યાંના ભારતીય બેકારોને તેમનો બાકી પગાર અને એક્ઝિટ વિઝા અપાવવાની દિશામાં હાલ પ્રયાસ કરી રહી છે, જેને ભારત સરકાર તરફથી પૂરતો સહકાર મળી રહ્યો છે.

આ અંગે ભારત સરકારે સાઉદી અરબના અધિકારીઓને પણ ત્યાં રહેલા ભારતીયોને શક્ય તેટલી ઝડપથી એક્ઝિટ વિઝા આપવા જણાવ્યું છે તેમજ આવા શ્રમિકોનો બાકી પગાર પણ તાત્કાલિક આપી દેવા અનુરોધ કર્યો છે. સાઉદી અરબમાં ઊભી થયેલી આવી પરિસ્થિતિનો ક્યાસ મેળવવા વિદેશ રાજ્ય પ્રધાન વી.કે. સિંહ પણ ત્યાં શુક્રવાર સુધી રોકાશે. હાલ સાઉદી અરબમાં 7700 ભારતીય શ્રમિક ત્યાંની 20 શિબિરમાં આશરો લઈ રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે જણાવ્યું કે ભારતીય રાજદૂત કચેરીએ ભારતીય સમુદાયની એક બેઠક બોલાવી હતી, જેમાં રાજદૂતે અસરગ્રસ્ત ભારતીયો વિશે માહિતી એકત્ર કરવા તેમની મદદ માગી હતી, જ્યારે બીજી તરફ સાઉદી અરબ સરકારે પણ ભારતીય શ્રમિકોના પડતર મુદ્દાને તાકીદે હલ કરવાની ખાતરી આપી છે.

દરમિયાન અખાતી દેશોના પ્રશ્નો સંભાળતા વિદેશ રાજ્ય પ્રધાન વી.કે.સિંહના સાથી સભ્ય એમ. જે. અકબરે ગઈ કાલે સાઉદી અરબના રાજદૂત સઉદ બિન મહંમદ અલ સતીની મુલાકાત લીધી હતી અને નોકરી ગુમાવનારા ભારતીયોને પડી રહેલી મુશ્કેલી અંગે જાણકારી મેળવી હતી.

You might also like