મેટ્રો ડાયરીઃ મધ્યાહન ભોજનમાં હવે ખમણ-ઢોકળા ઉમેરાશે

અમદાવાદ શહેર સહિત રાજ્યભરની શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ અપાતા મેનુમાં હવે બાળકોને ઢોકળાંનો સ્વાદ માણવા મળશે. ગુજરાતીઓની અતિલોકપ્રિય વાનગી ખમણ અને ઢોકળાં મેનુમાં પીરસવા માટે સરકાર વિચારણા કરી ચૂકી છે, જેથી ટૂંક સમયમાં જ ગુજરાતી ટ્રેડિશનલ વાનગી ખમણ-ઢોકળાં વિદ્યાર્થીઓ પણ આરોગતા થઇ જશે. હાલમાં મોટા ભાગનાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રો સંચાલકોથી ચાલી રહ્યાં છે, જે કેન્દ્રો હાલમાં ખાલી છે તેને હવે સખી મંડળને ચલાવવા આપવા માટેની સરકારે મંજૂરી આપી દેતાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રનું સંચાલન હવે અન્ય એજન્સીઓની સાથે સખી મંડળ કરશે.

મુખ્ય બસ સ્ટેન્ડ પર બોર્ડ જ નથી

Anirudhha-metro-dairyશહેરના એએમટીએસ બસ સ્ટેન્ડ પર ઊભા મુસાફરો કયા બસ સ્ટેન્ડથી બેસે છે તેનો ખ્યાલ ન આવે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. શહેરનાં કેટલાંક બસ સ્ટેન્ડમાં લગાવેલ બોર્ડમાં બસ સ્ટેન્ડનું નામ જ નથી લખેલું. આટલું જ નહીં મ્યુનિ. તંત્રની એટલી બેદરકારી છે કે મુખ્ય બસ સ્ટેન્ડ જે હોય ત્યાં જ બસ સ્ટેન્ડ પર ક્યાંનું બસ સ્ટેન્ડ છે તેનું નામ નથી લખેલું. ડી કે‌િબન વિસ્તારમાં ડી કે‌િબનના બસ સ્ટેન્ડ ઉપર કોઇ નામ જ નથી લખેલું. નામ તો ઠીક કયા નંબરની બસ અહીંયાં આવે છે અને ક્યાં જવા માટે અહીંથી બસ મળશે તે પણ નથી લખ્યું, જેથી મુસાફરોને એકબીજાને પૂછવું પડે છે, કયા નંબરની બસ અહીંથી જાય છે?

મ્યુનિ. મુખ્યાલયમાં જ ટ્રાફિક જામ-નો પાર્કિંગનાં બોર્ડ!

bharat-bhai-metro-dairyઅમદાવાદની સાઠ લાખની વસતીની પ્રાથમિક સુખાકારીનાં કામો સાથે સીધી રીતે સંકળાયેલા મ્યુનિ. કોર્પોરેશન ગોવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવે છે, તેમ છતાં તંત્રના વ્યાપક ભ્રષ્ટાચાર, અણઘડ આયોજનના કારણે નાગરિકોના પાણી, ગટર અને રસ્તા જેવી બાબતોમાં પણ ‘અચ્છે દિન’ આવ્યા નથી. ખમાસા-દાણાપીઠ  સ્થિત મ્યુનિ. મુખ્યાલયમાં જ અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે! મ્યુનિ. પરિસર સ્થિત દેવાધિદેવ મહાદેવની ડાબી-જમણી અને પાછળની બાજુએ ખડકાતાં ટુવ્હીલરોથી ખુદ તંત્રને ‘નો પાર્કિંગ’નાં બોર્ડ મારવાં પડે છે. અન્ય ટુવ્હીલરચાલકોને અવરજવર માટે રસ્તો મળી રહે તેવો આશય આવાં બોર્ડ પાછળનો છે.

ટેક્સ પ્રેક્ટિશનર્સ જીએસટીના નવા પાઠ ભણવા પડશે!

હજુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી ક્યારથી શરૂ થાય તે અંગે અવઢવની સ્થિતિ છે. ટેક્સ પ્રેક્ટિશનર્સના મત મુજબ એક વર્ષે નહીં તો બે વર્ષે ગમે ત્યારે જીએસટીની અમલવારી થવાની જ છે. ત્યારે વેટના તથા એક્સાઇઝના ટેકસ પ્રેક્ટિશનર્સ જીએસટીના નવા પાઠ ભણવા પડશે. સમગ્ર દેશભરમાં એકસરખો કાયદો આવવાથી હાલની પ્રેક્ટિસ પણ ઓછી થઇ જશે ત્યારે જીએસટી આવે તે પહેલાં જ સાઇડમાં બીજો ધંધો શરૂ કરી દેવો પડશે તેવી ભીતિ કરવેરા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે. તેઓના કહેવા પ્રમાણે જીએસટી સેન્ટ્રલ અને સ્ટેટ ટેક્સનું સ્થાન લેશે. સેન્ટ્રલ એક્સાઇઝ, એ‌િડશનલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, વેલ્યૂ એડેડ ટેક્સ, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, લકઝરી ટેક્સ, પરચેઝ ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ ટેક્સના સ્થાને જીએસટી આવશે. અત્યાર સુધી આ તમામ ટેક્સના કાયદાઓ જુદા જુદા હોવાથી કાયદાની આંટીઘૂંટીમાં પ્રેક્ટિસ પણ ધમધોકાર ચાલતી હતી, પરંતુ જીએસટી આવવાથી સમગ્ર દેશભરમાં એકસરખું ટેક્સ માળખું ઊભું થશે. પ્રેક્ટિશનર્સનાં કામકાજ પણ ઠંડાં પડશે. જીએસટી અમલમાં આવે તે પૂર્વે જ નાનો-મોટો બીજો ધંધો શરૂ કરી દેવામાં ગણગણાટ પાકા અમદાવાદી ટેક્સ પ્રેક્ટિશનર્સમાં જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ટેક્સ પ્રેક્ટિસનર્સને જીએસટીના નવા પાઠ પણ ભણવા પડશે.

You might also like